દર્દીને સ્ટેન્ડ મૂક્યા બાદ તેનું મોત થઈ જતાં પરિવારજનોએ હોબાળો કર્યો
અમે સાજો વ્યક્તિ હોસ્પિટલમાં લાવ્યા તો મોત કઈ રીતે થયું : પરિવારજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં બીજી હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડીયા હોસ્પિટલમાં એક દર્દીને સ્ટેન્ડ મૂક્યા બાદ તેનું મોત થઈ જતાં પરિવારજનોએ હોબાળો કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અમરવિંદભાઈ નામની વ્યક્તિને ગત રાત્રે દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સ્ટેન્ડ મૂક્યા બાદ તબીયત વધારે બગડી હતી અને તેમનું મોત થયું હતું. બાપુનગર વિસ્તારમાં આવેલી આ કાકડીયા હોસ્પિટલ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયાની છે. આ અંગે વાત કરતા મૃતક વ્યક્તિના ભાઈએ જણાવ્યું કે મારા ભાઈને ગળામાં દુખાવો થયો હતો એટલે અમે તેને હોસ્પિટલ લાવ્યા હતા. સવારે ૪ કલાકે ICU માં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે તમામ રિપોર્ટો કર્યાં તો કહેવામાં આવ્યું કે બધુ બરોબર છે અને અમને દવા લખી આપી હતું. સવારે અમને એક ડોક્ટરને દેખાડવાનું કહ્યું હતું. તે દવાઓ લખી આપશે તેમ જણાવ્યું હતું.
મૃતક દર્દીના ભાઈએ કહ્યું કે અમે જ્યારે સવારે ડોક્ટરને બતાવવા ગયા તો તેમણે ફાઈલ લઈને તેમાં ECG રિપોર્ટ જોયો હતો. ડોક્ટરે કહ્યું કે આ ભાઈને હાર્ટ એટેક છે અને તત્કાલ સારવારમાં લઈ લો. પરિવારજનોએ કહ્યું કે શું બન્યું તે અમને ખબર જ નથી. ડોક્ટરે તપાસ કરીને કહ્યું કે દર્દીની એક નળી બ્લોક છે.
જ્યારે દર્દીનું ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકવામાં આવ્યું તો ડોક્ટરોથી ભૂલ થઈ ગઈ હતી. તેમાં એક ફાટેલી નળી જોવા મળી તો ડોક્ટરોએ કહ્યું કે અમારાથી ફાટી ગઈ અને સ્ટેન્ડ મૂકી દીધું છે. એટલે કોઈ સમસ્યા થશે નહીં. પરિવારજનોએ કહ્યું કે ઓપરેશનમાંથી બહાર લાવ્યા બાદ તેમને ICU માં લઈ જવામાં આવ્યા હતા.
ત્યારબાદ થોડીવારમાં તેના હ્રદય પર સોજો આવવા લાગ્યો હતો. ડોક્ટરોએ કહ્યું કે તેમની હાલત ગંભીર થઈ ગઈ છે. ત્યારબાદ યુવકનું મોત થઈ ગયું હતું. યુવકના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને ન્યાયની માંગ કરી હતી. પરિવારજનોએ કહ્યું કે અમે સાજો વ્યક્તિ હોસ્પિટલમાં લાવ્યા તો મોત કઈ રીતે થઈ ગયું. પરિવારજનોએ ડોક્ટરો પર ગંભીર આરોપ લગાવ્યા હતા.