GSRTC એ લેટેસ્ટ ટેક્નોલોજીયુક્ત મશીન કાર્યરત કર્યું
ગુજરાતમાં આશરે ૮૦ જેટલા મશીનો જુદા જુદા ડેપોમાં મૂકવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સામાન્ય રીતે રેલવે હોય કે પછી બસ સેવા, દરેક મુસાફરો તેની સ્વચ્છતાને લઈને અવાર-નવાર ફરિયાદો કરતા હોય છે. ત્યારે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એસ.ટી. બસોની સફાઈ માટે ખાસ ઓટોમેટિક એ.ટી.એસ. મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેના દ્વારા બસની બહારના ભાગની સફાઈ માત્ર ગણતરીની મિનિટોમાં કરી શકાય છે. જોકે એસ.ટી. ડેપોમાં આ પ્રકારની લેટેસ્ટ ટેક્નોલોજીયુક્ત મશીન કાર્યરત થતાં એસ.ટી. કર્મચારીઓ તથા મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
GSRTC વિભાગના ચીફ મિકેનિકલ એન્જિનિયર એન.બી. સિસોદિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “દિવસ-રાત દોડતી એસ.ટી. બસની સ્વચ્છતાને અનુલક્ષીને નિગમ દ્વારા જુદા જુદા એસ.ટી. ડેપોમાં ખાસ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન મૂકવામાં આવ્યા છે. જે એવીએમ-એટીએસ એલજી લિમિટેડ અને ઓરિએન્ટલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના છે. પહેલાં કર્મચારીઓ દ્વારા બસને હાથેથી વોશ કરવી પડતી હતી. જેના લીધે એક બસની સફાઈ પાછળ આશરે અડધા કલાકથી એક કલાક સુધીનો સમય લાગતો હતો.
ચીફ મિકેનિકલ એન્જિનિયર એન.બી. સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ મશીન આવ્યા બાદ બસની સફાઈ કરવી સરળ બની ગઈ છે. આ સાથે બસને ઓછા સમયમાં સારી રીતે વોશ કરી શકાય છે. આ માટે માત્ર ૫-૧૦ મિનિટનો સમય લાગે છે. જેમાં વાહનની ફ્રન્ટ, ટોપ, બેક અને સાઇડ એમ દરેક બાજુને સારી રીતે સફાઈ કરી શકાય છે. આ સાથે મશીનરી દ્વારા વાહનને વોશિંગ કરવામાં આવતું હોવાથી વાહન પર લાગેલા કલરને પણ કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. તેમજ શાઇનિંગ પણ આપે છે. આ સાથે ઓછા કર્મચારીથી વાહનના સફાઈની કામગીરી કરી શકાય છે.
આ એક ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીનની કિંમત આશરે ૧૪.૭૬ લાખ રૂપિયા જેટલી છે. આગામી સમયમાં નિગમ દ્વારા સમગ્ર ગુજરાતમાં આશરે ૮૦ જેટલા મશીનો જુદા જુદા ડેપોમાં મૂકવામાં આવશે. હાલ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વાંકાનેર, દહેગામ, સાણંદ વગેરે સ્થળોએ આ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત છે. જ્યારે આગામી સમયમાં મહેસાણામાં ૭ મશીનો તેમજ નડિયાદ, ગોધરા અને હિંમતનગરમાં ૬ મશીનો મૂકવામાં આવશે. જ્યારે અમદાવાદ, પાલનપુર, રાજકોટ, જૂનાગઢ, સુરત અને વડોદરામાં ૫ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવશે.
આ ઉપરાંત ભાવનગર, જામનગર, ભુજ, અમરેલી, ભરૂચ અને વલસાડમાં પણ ૪ મશીનો કાર્યરત કરવામાં આવશે. વધુમાં જણાવતા કહે છે કે, દરેક બસોની બહારથી સફાઈની સાથે અંદરથી પણ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ ઘણીવાર બસની અંદર લોકો પાન-મસાલા ખાઈને ગમે ત્યાં થૂંકતા હોય છે અથવા તો નાસ્તા-પાણી કરીને કચરો બસની અંદર જ નાખતા હોય છે. ત્યારે બસમાં મુસાફરી કરતા દરેક લોકો સ્વચ્છતા પ્રત્યે પોતાની નૈતિક ફરજ દાખવીને બસની અંદર સ્વચ્છતા જાળવે તેમજ જે વ્યક્તિ સ્વચ્છતાનું પાલન નથી કરતી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.