ભાજપ માટે નવી સરકારનું નેતૃત્વ કરવાનો રસ્તો સાફ થઇ ગયો
પિતાનો મહારાષ્ટ્રના લોકો સાથે અતૂટ સંબંધ : શ્રીકાંત શિંદેએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકારની રચનાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. કાર્યવાહક CM એકનાથ શિંદેએ લીલી ઝંડી આપ્યા બાદ હવે તેમના પુત્ર અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પિતાના વખાણ કરતા તેમને મરાઠી સમુદાય અને સમસ્ત મહારાષ્ટ્રીયન લોકોના સેવક ગણાવ્યા છે. શ્રીકાંત શિંદેએ કહ્યું કે તેમને તેમના પિતા એકનાથ શિંદે પર ગર્વ છે. જેમણે વ્યક્તિગત મહત્વકાંક્ષાને બાજૂ પર મૂકીને ‘ગઠબંધન ધર્મ’નું પાલન કરવાનું ઉદાહરણ રજૂ કર્યું છે. એકનાથ શિંદે હાલ મહારાષ્ટ્રમાં કાર્યવાહક મુખ્યમંત્રી છે.
સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું કે તેમના પિતાનો મહારાષ્ટ્રના લોકો સાથે અતૂટ સંબંધ છે. તેમણે સમાજના દરેક વર્ગ માટે દિવસ રાત મહેનત કરી છે. શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને NCP ની સહયોગી છે. અત્રે જણાવવાનું કે તેમનું આ નિવેદન એકનાથ શિંદે દ્વારા કરાયેલી જાહેરાત બાદ આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે શિવસેના મહારાષ્ટ્રના અગામી મુખ્યમંત્રીના નામ માટે PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ર્નિણયનું સમર્થન કરશે, જેનાથી ભાજપ માટે નવી સરકારનું નેતૃત્વ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
કલ્યાણથી સાંસદ શ્રીકાંત શિંદેએ એમ પણ કહ્યું કે એવી માન્યતા છે કે સત્તા બધાને ગમે છે પરંતુ એકનાથ શિંદે તેમા અપવાદ છે. તેમના માટે રાષ્ટ્ર અને લોકોની સેવા સર્વોપરી છે. તેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.
એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં એલાન કર્યું કે મે ક્યારેય પોતાની જાતને CM સમજ્યા નથી. મે હંમેશા કોમન મેન બનીને કામ કર્યું. મે હંમેશા રાજ્યના સારા માટે કામ કર્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની લાડકી બહેનોનો હું લાડકો ભાઈ છું. આ દરમિયાન શિંદેએ કહ્યું કે મે પીએમ મોદીને કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ અડચણ નથી. તમે જે પણ ર્નિણય લેશો તે અમને મંજૂર હશે. અમારી વચ્ચે કોઈ અડચણ નથી. આપણે બધા NDA નો હિસ્સો છીએ. જે પણ ર્નિણય PM મોદી લેશે તે અમને મંજૂર છે. એકનાથ શિંદેએ કહ્યું કે વડાપ્રધાન મોદી જે પણ ર્નિણય લેશે તે શિવસેનાને મંજૂર છે. મહાયુતિ મજબૂત છે અને અમે બધા સાથે મળીને કામ કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે મે લોકપ્રિયતા માટે નહીં પરંતુ મહારાષ્ટ્રની જનતા માટે કામ કર્યું.
અત્રે જણાવવાનું કે હવે મહારાષ્ટ્ર્માં શિવસેનાના કોટાથી શ્રીકાંત શિંદેને ડેપ્યુટી CM બનાવવાની ચર્ચાએ પણ તૂલ પકડ્યું છે. મળતા રિપોર્ટ મુજબ એકનાથ શિંદેએ કથિત રીતે ભાજપના ટોચના નેતૃત્વને અપીલ કરી છે કે જો તેમને મુખ્યમંત્રી ન બનાવાય તો તેમને મહાયુતિ સરકારના સંયોજક નિયુક્ત કરવા જોઈએ અને સાથે શ્રીકાંત શિંદેને ડેપ્યુટી CM બનાવવા જોઈએ.