કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં બે મોટા અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગાલદર પાસે નેશનલ હાઈવે પર એક કાર બ્રિજ પરથી પડી ગઈ હતી, જેમાં શામળાજી મંદિરેથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકોમાં એક મહિલા, બે પુરૂષ અને એક છોકરીનો સમાવેશ થાય છે. ટીંટોઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે શામળાજી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકો નડિયાદ વિસ્તારના છે.
અન્ય એક ઘટનાની વાત કરીએ તો અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ૩ લોકોના મોત થયા હતા. હાંસોટ તાલુકાના શેરા ગામ પાસે પૂરપાટ ઝડપે પસાર થતી કાર ઝાડ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં મુસાફરી કરી રહેલા બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. જો કે તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ભાવનગરના ત્રણ યુવાનો વહેલી સવારે કારમાં સુરત જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વહેલી સવારે કાર ચાલક નીચે પડી જવાને કારણે આ અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.