લોકસભામાં વડાપ્રધાન મોદીનું મહત્વનું નિવેદન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

યુદ્ધથી જે સ્થિતિ ઊભી થઈ તેની અસર લાંબા સમય સુધી રહે તેવી સંભાવના

ભારત પાસે ૫૩ લાખ મેટ્રિક ટનથી વધુ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને ૬૫ લાખ મેટ્રિક ટ્નથી વધુના રિઝર્વની વ્યવસ્થા પર દેશ કામ કરી રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

મિડલ ઈસ્ટમાં વકરેલા સંકટ પર પીએમ મોદીએ સંસદના નીચલા ગૃહ લોકસભામાં આજે સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, “હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને આ કારણે ભારતમાં આવેલી સમસ્યા પર વાત કરવા માટે ઉપસ્થિત થયો છું. ત્યાં સ્થિતિ ચિંતાજનક છે. આ સંકટને ૩ સપ્તાહથી વધુ થઈ રહ્યુ છે. તેનાથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને લોકોના જીવન પર વિપરીત અસર થઈ રહી છે. ભારત સામે પણ આ યુદ્ધે અનપેક્ષિત પડકારો ઊભા કર્યા છે. આ પડકારો આર્થિક, નેશનલ સિક્યુરિટી સંલગ્ન અને માનવીય પણ છે.”

પીએમ મોદીએ કહ્યું કે આ યુદ્ધે ભારત સામે અનપેક્ષિત પડકારો ઊભા કર્યા છે. આ પડકારો આર્થિક પણ છે, રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન અને માનવીય પણ છે. યુદ્ધગ્રસ્ત અને યુદ્ધગ્રસ્ત દેશો સાથે ભારતના વ્યાપક વેપારી સંબંધો છે. જે ક્ષેત્રમાં આ યુદ્ધ થઈ રહ્યુ છે તે દુનિયાના બીજા દેશો સાથે આપણા વેપારનો પણ એક મહત્વપૂર્ણ રસ્તો છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ગેસની આપણી જરૂરિયાતોનો એક મોટો ભાગ આ વિસ્તાર પૂરી કરે છે.

લોકોનું દુખદ મૃત્યુ થયું અને કેટલાક લોકો ઘાયલ

પ્રધાનમંત્રીએ કહ્યું કે “ભારતની સંસદથી આ સંકટ અંગે એકમત અને એકજૂથ અવાજ દુનિયામાં જાય તે ખુબ જરૂરી છે. જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી જ પ્રભાવિત ક્ષેત્રોમાં દરેક ભારતીયને મદદ અપાઈ રહી છે. મે પોતે પશ્ચિમ એશિયાના મોટાભાગના રાષ્ટ્રાધ્યક્ષોની સાથે બે રાઉન્ડ ફોન પર વાત કરી છે. બધાએ ભારતીયોની સુરક્ષાનું પૂરેપૂરું આશ્વાસન આપ્યું છે. દુર્ભાગ્યથી આ દરમિયાન કેટલાક લોકોનું દુખદ મૃત્યુ થયું અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આવી મુશ્કેલ સ્થિતિમાં પરિજનોની મદદ થઈ રહી છે.”

તેમણે કહ્યું કે “પ્રભાવિત દેશોમાં આપણા મિશન સતત ભારતીયોને મદદ કરવામાં લાગ્યા છે. પછી ભલે ત્યાં કામ કરતા ભારતીયો હોય કે પછી ત્યાં ગયેલા પ્રવાસીઓ, બધાને દરેક શક્ય મદદ થઈ રહી છે. અમારા મિશન રેગ્યુલર રીતે એડવાઈઝરી પણ જાહેર કરી રહ્યા છે. ભારત અને અન્ય પ્રભાવિત દેશોમાં ૨૪/૭ આઉટરીચ રૂમ અને ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ કરી છે. તેના દ્વારા તમામ પ્રભાવિત લોકોને લેટેસ્ટ જાણકારી આપવામાં આવી રહી છે. સંકટના સમયમાં ભારત અને વિદેશમાં ભારતીયોની સુરક્ષા ખુબ જરૂરી છે.”

વેસ્ટ એશિયા વિવાદ પર પીએમ મોદીએ કહ્યું કે “ભારતના એવા દેશો જે લડાઈમાં છે અને લડાઈથી પ્રભાવિત છે તેમની સાથે મોટા પાયે વેપારી સંબંધો છે. જે વિસ્તારમાં યુદ્ધ થઈ રહ્યું છે તે દુનિયાભરના અન્ય દેશો સાથે આપણા વેપાર માટે પણ એક જરૂરી રસ્તો છે. ખાસ કરીને આપણી ક્રૂડ ઓઈલ અને ગેસની જરૂરિયાતોના એક મોટા ભાગ માટે. આ વિસ્તાર આપણા માટે એક અન્ય રીતે પણ જરૂરી છે. લગભગ એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે. ત્યાં કોમર્શિયલ જહાજ ચલાવે છે. ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા પણ ખુબ વધુ છે. આ અલગ અલગ કારણોસર ભારતની ચિંતાઓ સ્વાભાવિક રીતે વધુ છે. આથી એ જરૂરી છે કે આ સંકટ વિશે સંસદથી દુનિયામાં એક અવાજ અને સામાન્ય સહમતિ પહોંચે.”

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે “સરકાર સંવેદનશીલ પણ છે, સતર્ક પણ છે અને દરેક મદદ માટે તત્પર પણ છે. ભારતમાં મોટી પાયામાં ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝર જેવી અનેક જરૂરિયાતોની ચીજાે હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આવે છે. યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોનું આવવું જવું ખુબ પડકારભર્યું બની ગયું છે. આમ છતાં સરકારની પ્રયત્નો રહ્યા છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો સપ્લાય વધુ પ્રભાવિત ન થાય. તેના પર અમારું ફોકસ રહ્યું છે.”

આ સાથે તેમણે કહ્યું કે “ગત દાયકામાં ભારતે સંકટના આવા જ સમય માટે ક્રૂડ ઓઈલના ભંડારણને પ્રાથમિકતા આપી છે. આજે ભારત પાસે ૫૩ લાખ મેટ્રિક ટનથી વધુ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને ૬૫ લાખ મેટ્રિક ટ્નથી વધુના રિઝર્વની વ્યવસ્થા પર દેશ કામ કરી રહ્યો છે. છેલ્લા ૧૧ વર્ષમાં આપણી રિફાઈનરી કેપેસિટીમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. સરકાર અલગ અલગ દેશોના સપ્લાયર્સ સાથે પણ સતત સંપર્કમાં છે.” વેસ્ટ એશિયા યુદ્ધ પર પીએમ મોદીએ કહ્યું કે “જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ૩૭૫૦૦૦ ભારતીયો સુરક્ષિત રીતે ભારત પાછા ફર્યા છે.

ઈરાનથી અત્યાર સુધીમાં ૧૦૦૦ ભારતીયો પાછા ફર્યા છે. જેમાંથી ૭૦૦થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓ છે. સ્થિતિ જોતા ખાડી દેશોની શાળાઓમાં ક્લાસ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ રદ કરી છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ કોઈ પણ અડચણ વગર ચાલુ રહે તે માટે પગલાં લેવાઈ રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે મોટા પાયે ક્રૂડ ઓઈલ, ગેસ, ફર્ટિલાઈઝર અને જરૂરી ચીજો ભારત આવે છે.

જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારેથી હોર્મુઝના રસ્તે જહાજોનું આવવું જવું મુશ્કેલ બન્યું છે. બધા જાણે છે કે દેશ પોતાની એલપીજીની જરૂરિયાતોના ૬૦ ટકા આયાત કરે છે. સપ્લાયમાં અનિશ્ચિતતાના કારણે સરકારે ઘરેલુ એલપીજી ગ્રાહકોને પ્રાથમિકતા આપી છે. આ સાથે જ એલપીજીનું ઘરેલુ પ્રોડક્શન પણ વધારવામાં આવ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય ઠીક રહે તે માટે સતત કોશિશ કરાઈ છે.”

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એક મોટો સંકેત પણ આપ્યો. તેમણે કહ્યું કે “આ યુદ્ધથી દુનિયામાં જે મુશ્કેલ હાલાત બન્યા છે તેની અસર લાંબા સમય સુધી રહે તેવી શક્યતા છે. આથી આપણે તૈયાર રહેવું જોઈએ અને એકજૂથ રહેવું જાેઈએ. આપણે કોવિડ સમયે એકતાથી આવા પડકારોનો સામનો કર્યો છે અને હવે આપણે ફરીથી તૈયાર રહેવાની જરૂર છે.”

કૂટનીતિ પર પીએમ મોદીએ કહ્યું કે “ડિપ્લોમેસીમાં ભારતની ભૂમિકા સ્પષ્ટ છે. શરૂઆતથી જ આપણે આ વિવાદ વિશે આપણી ઊંડી ચિંતાઓ વ્યક્ત કરી છે. મેં પોતે વેસ્ટ એશિયાના તમામ સંબંધિત નેતાઓ સાથે વાત કરી છે. મેં તમામને તણાવ ઘટાડવાની અને આ વિવાદને ખતમ કરવાની અપીલ કરી છે.

ભારતે સામાન્ય લોકો, એનર્જી, અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓને વખોડ્યા છે. કોમર્શિયલ જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા વૈશ્વિક જળ રસ્તાઓને રોકવામાં આવે તે મંજૂર નથી. ભારત આ યુદ્ધ જેવા માહોલમાં પણ ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ડિપ્લોમેસી દ્વારા સતત કોશિશ કરી રહ્યું છે. ભારતે હંમેશા માણસાઈની ભલાઈ અને શાંતિની વકિલાત કરી છે.”

તેમણે કહ્યું કે “હું ફરીથી કહું છું કે વાતચીત અને ડિપ્લોમેસી જ આ સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે. આપણી તમામ કોશિશો તણાવ ઘટાડવામાં અને આ વિવાદને ખતમ કરવાના હેતુસર છે. આ યુદ્ધમાં કોઈનો પણ જીવ જોખમમાં નાખવો એ માણસાઈના હિતમાં નથી. આથી ભારતની કોશિશ છે કે તમામ પક્ષોને જેમ બને તેમ જલદી શાંતિપૂર્ણ સમાધાન પર પહોંચવા માટે પ્રોત્સાહન આપવામાં આવે.

જ્યારે આવા સંકટ આવે છે ત્યારે કેટલાક લોકો તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. આથી તમામ કાયદા અને વ્યવસ્થા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. સિક્યુરિટી પર ધ્યાન અપાઈ રહ્યું છે. પછી ભલે તે કોસ્ટલ સિક્યુરિટી હોય, બોર્ડર સિક્યુરિટી હોય, સાઈબર સિક્યુરિટી કે સ્ટ્રેટેજિક જગ્યાઓ હોય. તેમને વધુ મજબૂત કરવામાં આવશે.”

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.