Last Updated on by Sampurna Samachar
જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને આપ્યો જોરદાર જવાબ
રાહુલે અર્થનો અનર્થ કર્યો છે : જેપી નડ્ડા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ મહારાષ્ટ્રમાં આયોજિત રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. નડ્ડાએ રાહુલના એક હે તો સેફ હૈ સૂત્ર પર ઉડાવવામાં આવેલા મજાક પર રોષ ઠાલવતા કહ્યું છે કે, વડાપ્રધાન મોદીના એક હે તો સેફ હેનો અર્થ જ્યાં સુધી આપણે સૌ સાથે છીએ, ત્યાં સુધી તમામ સુરક્ષિત છીએ એવો છે. રાહુલે અર્થનો અનર્થ કર્યો છે.
વાસ્તવમાં રાહુલની પ્રેસ કોન્ફરન્સમાં મહા વિકાસ અઘાડીના એક સાથી ઉપસ્થિત ન હતાં. તેનો અર્થ એ થયો કે, તે એકલા છે ત્યારે જ સુરક્ષિત છે.રાહુલ ગાંધી હંમેશા એકલા જ રહે છે, એટલે તેમને લાગે છે કે, તે સુરક્ષિત છે. તેઓએ પહેલાં કોંગ્રેસના નેતાઓને એકજૂટ કરવા જોઈએ, ત્યારે જ તે દેશની એકતા અને સુરક્ષાની વાતો કરી શકશે. તેમના જ ગઠબંધનની બેઠકોમાં ઘણી વખત નેતાઓ ગેરહાજર હોય છે.
નડ્ડાએ જણાવ્યા મુજબ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અવારનવાર બંધારણ લઈ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પરંતુ તે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે પોતે બંધારણનું પુસ્તક વાંચ્યુ પણ નથી. બસ, તેઓ તેને સાથે રાખી ફરતા રહે છે. વધુમાં કહ્યું, ‘ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં લખ્યું હતું કે ધર્મના આધારે અનામત આપી શકાય નહીં, પરંતુ આજે કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ખાનગી કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપવામાં લઘુમતીઓને ચાર ટકા અનામત આપી રહી છે.’
ભાજપ અધ્યક્ષે કહ્યું કે આર્થિક નીતિના મોરચે વિશ્વને વડાપ્રધાન મોદીમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ૧૦ વર્ષ પહેલાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ૧૨મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી, પરંતુ PM મોદીએ તેને ૫માં સ્થાને લાવી દીધું. તમે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનાવો અને મોદીના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.’