પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુના ઈન્દિરાનગર વિસ્તારમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં મૂળ આસામની યુવતીની એક સર્વિસ એપાર્ટમેન્ટમાં ર્નિદયતાથી હત્યા કરાયેલી હાલતમાં લાશ જોવા મળી હતી. પીડિતા, જે એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી, તેના પ્રેમી આરવ અનય દ્વારા કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે, જે હવે ફરાર છે.
આ ગુન્હો “ધ રોયલ લિવિંગ્સ”, એક સર્વિસ એપાર્ટમેન્ટમાં થયો હતો, જ્યાં કેરળના કન્નુરનો વતની આરવ ત્રણ દિવસ રહ્યો હતો. CCTV ફૂટેજમાં જાણવા મળ્યું છે કે, યુવતી અને આરવ ૨૩ નવેમ્બરના રોજ એપાર્ટમેન્ટમાં સાથે આવ્યા હતા. આ ઘૃણાસ્પદ કૃત્ય બાદ, આરવ માયાની લાશને છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
ઈન્દિરાનગર પોલીસની પ્રાથમિક તપાસમાં આરવ હત્યા બાદ આખો દિવસ એપાર્ટમેન્ટમાં લાશ સાથે રહ્યો હોવાનું સામે આવ્યું છે. તે પીડિતાના મૃતદેહની નજીક સિગારેટ પીતો જોવા મળ્યો હતો, જેના કારણે પોલીસને શંકા હતી કે તે કદાચ શરીરના ટુકડા કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ બાદમાં આ પ્લાન પડતો મૂક્યો.
૨૪ નવેમ્બરની સવારે, આરવ કથિત રીતે કેબ બુક કરી અને એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળ્યો હતો. હાલમાં તે ક્યાં છે, તેની કોઈને ખબર નથી અને પોલીસે તેને શોધી રહી છે. આ આખી ઘટનાને સમજવા માટે ફોરેન્સિક ટીમે પુરાવા એકઠા કર્યા અને સ્ટાફ અને પડોશીઓની પૂછપરછ સાથે, ગુનાના સ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. જ્યારે હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.
પોલીસને શંકા છે કે અંગત વિવાદને કારણે આ દુઃખદ ઘટના બની હશે. HSR લેઆઉટમાં રહેતી અને સારી નોકરી કરતી યુવતી આ ભયાનક ગુનાનો દુઃખદ શિકાર બની છે. પોલીસ અધિકારીઓએ લોકોને ખાતરી આપી છે કે આરોપીઓને પકડવા અને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.