મૃતક કિશોરનો જન્મદિવસના બીજા દિવસે મળ્યો મૃતદેહ
વલસાડમાં મોબાઇલની સ્ક્રીન તૂટતાં ગુસ્સામાં મિત્રની હત્યા કરી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ વિના વ્યકિતનું જીવન અંધકારમય બની જાય છે તેવું લોકો માની બેઠા છે. તેમાય આજની યુવા પેઢીને મોબાઈલ વગર એક મિનિટ પણ ચાલી શકતું નથી. ત્યારે મોબાઈલના કારણે લોકોની હત્યા પણ થાય છે તેવો કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે. એક મોબાઇલની સ્ક્રીન તુટતા બે સગીર મિત્રો વચ્ચે થયેલ બબાલ લોહિયાળ બની છે. માત્ર ૧૫૦૦ રૂપિયાની મોબાઈલની સ્ક્રીનના કારણે એક મિત્રનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામમાં છેવાડે નિર્માણાધીન અવાવરું બિલ્ડીંગના લિફ્ટના ખાડામાંથી ૨૯મી તારીખે એક કિશોરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કિશોર બે દિવસથી ગુમ હતો. આથી પરિવારજનો તેની શોધખોળ કરી હતી. આખરે મૃતકના પિતા અને કાકાએ બનાવ વાળી જગ્યાએ તપાસતા આ લિફ્ટના ખાડામાં ઈંટો નીચે દબાયેલી હાલતમાં મૃતક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.
ઘટનાને ગંભીરતા લઈ વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં જ મૃતકની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું હતું. આથી પોલીસે મૃતકના પરિવારજનો, પડોશીઓ અને તેના મિત્રોની પૂછપરછ કરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી. આ મામલે પોલીસે મૃતકના જ એક કિશોર મિત્રની અટકાયત કરી અને તેની સમજણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મૃતક કિશોર અને હત્યા કરનાર કિશોર બંને મિત્રો હતા. હત્યા કરનાર કિશોરના હાથથી મૃતકના મોબાઇલની સ્ક્રીન તૂટી ગઈ હતી. આથી મૃતક અવારનવાર તૂટેલી સ્ક્રીનને રીપેરીંગ કરવા માટે મિત્ર પાસેથી રૂપિયાની માંગ કરતો હતો. જે નહીં આપતા મૃતક મિત્રના ઘરે જઈ તેની મમ્મીને જાણ કરતા તેના મમ્મીએ હત્યા કરનાર કિશોરને માર માર્યો હતો. આથી કિશોર રોષે ભરાયો હતો અને બનાવના દિવસે મોબાઈલની સ્ક્રીનના પૈસા આપવા અને રીપેરીંગ કરવાના બહાને મિત્ર મૃતકને આ અવાવરું બિલ્ડીંગ પર લઈ આવ્યો હતો. ત્યારબાદ મૃતકને ચોથા માળથી નીચે ધક્કો મારી અને બિલ્ડીંગના લિફ્ટના ખાડામાં ફેંક્યો હતો. ત્યારબાદ નીચે આવીને તેના પર ઉપરા છાપરી ઈંટોના ઘા કરી અને તેને મૃતદેહને ઈંટો નીચે દબાવ્યો હતો. ઉપર ઝાડી ઝાંખરા નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આખરે પોલીસે હત્યા કરનાર કિશોરની અટકાયત કરી, આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મોબાઈલની તૂટેલી સ્ક્રીનના ૧૫૦૦ રૂપિયા બાબતે બે કિશોરો વચ્ચે થયેલી દુશ્મનાવટ અને વૈમનસ્યએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કિશોર મિત્રએ જ હત્યા નિપજાવી હતી. મૃતક તેના જન્મદિવસના આગળના દિવસે જ ગુમ થયો હતો અને જન્મદિવસના પછીના દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી પરિવારના શોકમાં ગરકાવ છે.