Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્રના અકોલામાંથી ઝડપી લેવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રવિવારે બાબા સિદ્દીકી હત્યા કેસમાં મહારાષ્ટ્રના અકોલામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે ગુજરાતના આણંદનો રહેવાસી છે. આ ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા લોકોની કુલ સંખ્યા ૨૫ થઈ ગઈ છે.ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું છે કે ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી સલમાન ઈકબાલ વોહરાની અકોલાના બાલાપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે.
તપાસ સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, વોહરાએ આ વર્ષે મે મહિનામાં બેંક ખાતું ખોલાવ્યું હતું અને નરેશ કુમાર સિંહ (ધરપકડ કરાયેલા આરોપી ગુરમેલ સિંહના ભાઈ), રૂપેશ મોહલ અને હરીશ કુમારને આર્થિક મદદ કરી હતી. આ સિવાય તેણે હત્યા સાથે જોડાયેલા અન્ય લોકોને પણ મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરે બાંદ્રા પૂર્વના ર્નિમલ નગરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ પછી ગુરમેલ સિંહ (હરિયાણા) અને ધરમરાજ કશ્યપ (ઉત્તર પ્રદેશ)ની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં, પોલીસને આ કેસમાં મોટી સફળતા હાથ લાગી હતી જ્યારે તેણે ઉત્તર પ્રદેશના બહરાઇચ ખાતેથી મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમને પકડી પાડ્યો હતો. ગૌતમ ૧૨ ઓક્ટોબરથી ફરાર હતો અને જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે નેપાળ ભાગી જવાની પેરવીમાં હતો.