આરોપીઓ સામે કડક કાર્યવાહી ક૨વાની માંગ ઉચ્ચારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠાના ડીસામાં આવેલા ભોયણ ગામમાં રહેતા અજંતા કોલ્ડ સ્ટોરેજ પેઢીના માલિક મફતલાલ ચમનાજી ટાંક દ્વારા હરસિધ્ધ કોલ્ડ સ્ટોરેજના માલિક મનુભાઈ અને પંજાબ-હરીયાણા રોડલાઈન્સ કંપનીના ડ્રાઈવર ચેતનરામ સામે બટાટાનો રૂપિયા ૪૭૫, ૦૯૨નો માલ પચાવી પાડવા મુદ્દે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી મફતલાલ ટાંકે આ મામલે બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે.
વેપારી મફતલાલ ટાંક ડીસાના ભોયણ મુકામે તેમની અજંતા કોલ્ડ સ્ટોરેજ નામની પેઢી ચલાવે છે, જેમાં તેઓ બટાટા તથા બટાટા બીયારણનો લે-વેચનો ધંધો કરે છે અને આ પેઢી અવાર-નવાર બહારથી માલ એકસપોર્ટ કરે છે. તે જ રીતે આ વખતે પણ તેમણે ધારીવાલ એગ્રી ફાર્મ જલંઘરથી તા. ૨૧ નવેમ્બરના રોજ બીલ નં. ૯૯ની વિગતે બટાટા ૩૩૨ બેગ ખ્યાતી ગોળી ૧૦ નંબર, ૧૧ નંબરનું બીયારણ નોંધાવ્યું હતું, જે બીયારણની કુલ કિંમત ૪૭૫,૦૯૨ રૂપિયાની હતી. તેમણે આ માલને પંજાબ હરીયાણા રોડલાઈન્સની ટ્રકના આગળના ભાગમાં લોડ કરાવ્યો હતો.
આ ટ્રકના અડધા ભાગમાં તેમનો(ફરિયાદી) માલ અને બીજા અડધા ભાગમાં હરસિધ્ધ કોલ્ડ સ્ટોરેજનો માલ હતો. ત્યારબાદ આ ટ્રકનો ડ્રાઈવર ચેતનરામ વાહનને સદર ગાડી હરસિધ્ધ કોલ્ડ સ્ટોરેજમાં લઈ ગયો હતો અને તે સમયે હરસિધ્ધ કોલ્ડ સ્ટોરેજના માલિક આ તમામ માલ તેમની પેઢીએ ઉતારી દીધો. ઘણો સમય થવા છતાં પણ ટ્રકનો ડ્રાઈવર અજંતા કોલ્ડ સ્ટોરેજ ઉપર ન પહોંચતા વેપારી મફતલાલે ડ્રાઈવરને ફોન કર્યો હતો. ફોન પર ટ્રકના ડ્રાઈવરે જણાવ્યું કે “હરસિધ્ધ કોલ્ડ સ્ટોરેજના માલિક મનુભાઈએ આ તમામ માલ તેમનો હોવાનું અને અજંતા કોલ્ડ સ્ટોરેજ તેમનું હોવાનું જણાવી આ તમામ માલ તેમની હરસિધ્ધ કોલ્ડ સ્ટોરેજમાં ઉતારી દીધો છે!’ જે સાંભળીને ફરીયાદી મફતલાલ ટાંક અચંબામાં પડી ગયા, કારણ કે હરસિધ્ધ કોલ્ડ સ્ટોરેજના માલિક મનુભાઈએ ટ્રકના ડ્રાઈવરને ગેરમાર્ગે દોરીને તેમનો માલ તેમને ત્યાં ઉતરાવી દીધો. ત્યારબાદ ફરીયાદીએ મનુભાઈને સંપર્ક કર્યો અને તેમનો માલ તેમને પરત આપી દેવા માટે કહ્યું, પરંતુ હરસિધ્ધ કોલ્ડ સ્ટોરેજના માલિકે ફરિયાદી સાથે ઉધ્ધતાઈ પુર્વકનું વર્તન કર્યું અને થાય તે કરી લેવાની ધમકીઓ આપીને માલ પચાવી પાડ્યો.
આમ બંન્ને આરોપીઓએ એક બીજા સાથે મળીને અજંતા કોલ્ડ સ્ટોરેજ પેઢીના માલિક મફતલાલ ટાંકનો માલ ચોરીને ગુનાઈત કૃત્ય આચર્યું હતું. જેને પગલે અજંતા કોલ્ડ સ્ટોરેજ પેઢીના માલિક મફતલાલ ટાંકે આ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના આ મામલે ફરીયાદ કરી છે.