Last Updated on by Sampurna Samachar
ઝાંસી મેડિકલ કોલેજમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો પ્રાથમિક રિપોર્ટ
આગમાં મૃત્યુ પામેલા નવજાત શિશુઓનો આંકડો 11 એ પહોચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા નવજાત શિશુઓની સંખ્યા ૧૦થી વધીને ૧૧ થઈ ગઈ છે. આ માહિતી DM અવિનાશ કુમારે આપી છે. ઉલ્લેખનીય છે કે આગની આ ઘટના અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મોકલવામાં આવનાર રિપોર્ટના મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા છે. અકસ્માત બાદ ચાર સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી, જેણે તેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં જે ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે અને તેમાં કોઈ કાવતરું કે બેદરકારી નથી.
મેડિકલ એજ્યુકેશનના મર્હાનિદેશકની અધ્યક્ષતામાં રચાયેલી તપાસ સમિતિના વિગતવાર અહેવાલમાં બહાર આવશે કે શોર્ટ સર્કિટ કેવી રીતે થયું હતું? શું વોર્ડમાં લગાવવામાં આવેલા મશીનો પર ઓવરલોડ હતો, જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું? ઘટના સમયે વોર્ડમાં ૬ નર્સ, અન્ય સ્ટાફ અને ૨ લેડી ડોક્ટર હાજર હતા. સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થતાં આગ લાગી હતી.
વોર્ડમાં ઇન્સ્ટોલ કરેલા મશીનો પરના પ્લાસ્ટિકના કવરે સ્વીચ બોર્ડમાં લાગેલી આગને પકડી લીધી હતી. આ આગ પ્લાસ્ટિકના કવરમાંથી નીચે ટપકવા લાગી હતી, જે બાદ વોર્ડમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ફરજ પરની નર્સે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેના પગ અને કપડાં પણ બળી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વીચ બોર્ડમાં સ્પાર્ક થયો હતો જેના કારણે આગ લાગી હતી. એક નર્સે તેને જાતે ઠીક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં તેણીને ઈજા પણ થઈ હતી. આ દરમિયાન આગ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર તરફ પ્રસરવા લાગી હતી અને નર્સ ચીસો પાડતી બહાર દોડી આવી હતી.