Last Updated on by Sampurna Samachar
ચીનના વડા શી જિનપીંગે US પ્રમુખ બાઈડેન સાથે કરી અંતિમ મુલાકાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેરુના લિમા ખાતે એશિયા-પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન સમિટ દરમિયાન ચીનના વડા શી જિનપિંગ શનિવારે અમેરિકી પ્રમુખ જો બાઇડેનને છેલ્લી વખત મળ્યા હતાં. જોકે તેમણે અમેરિકામાં નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની અમેરિકા ફર્સ્ટની નીતિઓની ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે ચીન અમેરિકાની નવી સરકાર સાથે કામ કરવા તૈયાર છે.
શી જિનપિંગે જણાવ્યું હતું કે ચીન અને અમેરિકા વચ્ચેના સ્થિર સંબંધો માત્ર બંને રાષ્ટ્રો માટે જ નહીં, પરંતુ માનવતાના ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ છે, તેથી અમેરિકા દૂરંદેશી પસંદગી કરે. બે મોટા દેશો એકબીજા સાથે સારા સંબંધો જાળવી રાખે તે માટે અમેરિકાએ યોગ્ય માર્ગની ચકાસણી કરતા રહેવું જોઇએ. ટ્રમ્પના નામનો ઉલ્લેખ કર્યા વગર જિનપિંગે તેમની ચિંતા વ્યક્ત કરી હતી કે ચૂંટણીપ્રચાર દરમિયાન નવા પ્રેસિડન્ટના સંરક્ષણવાદી નિવેદનો અમેરિકા-ચીન વચ્ચેના સંબંધોને ખરાબ કરી શકે છે.ચીન સંદેશાવ્યવહાર જાળવવા, સહકાર વધારવા અને મતભેદોનો ઉકેલ લાવવા માટે નવા યુએસ વહીવટીતંત્ર સાથે કામ કરવા તૈયાર છે. બાઇડને યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરતું નોર્થ કોરિયાને અટકાવવા માટે જિનપિંગને અનુરોધ કર્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના મુદ્દે બંને નેતાઓ પરમાણુ હથિયારોના ઉપયોગના ર્નિણય પર માનવ નિયંત્રણ જાળવવાની જરૂરિયાત પર સંમત થયાં હતાં. ટ્રમ્પના નેતૃત્વમાં યુએસ-ચીન સંબંધોમાં ભવિષ્યમાં કેવા રહેશે તે અંગે અનિશ્ચિતતા છે, કારણ કે ટ્રમ્પ ચૂંટણીપ્રચાર દરમિયાન ચીનની પ્રોડક્ટ્સ પર ૬૦ ટકા ડ્યૂટી લાદવાનું વચન આપી ચુકેલા છે.