Last Updated on by Sampurna Samachar
કોએટ્જીને ઠીક થવામાં ચાર થી છ અઠવાડિયાનો લાગી શકે છે સમય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત ટાઈટન્સે IPL ૨૦૨૫ મેગા ઓક્શનમાં જે ઝડપી બોલર્સને ૨.૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને લઈને સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ખરાબ સમાચાર આપ્યા છે. ગુજરાતે ઓક્શનમાં ગેરાલ્ડ કોએટ્જીને ખરીદ્યો હતો પરંતુ હવે કમરમાં ઈજાના કારણે તે લાંબા સમય માટે મેદાનથી બહાર થઈ ગયો છે. ૨૪ વર્ષીય કોએટ્જી શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ અને પાકિસ્તાનના ઓલ ફોર્મેટથી બહાર થઈ ગયો છે જે ૧૦ ડિસેમ્બરથી સાત જાન્યુઆરીની વચ્ચે થવાની છે.
કોએટ્જીને પહેલી ટેસ્ટ દરમિયાન ઈજા પહોંચી હતી. મેચના ચોથા દિવસે બોલિંગના સમયે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેનું સ્કેન કરાવવામાં આવ્યુ. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પુષ્ટિ કરી છે કે સ્કેનમાં તેના જમણી કમરની માંસપેશીઓમાં ખેંચાણ થયું છે.
કોએટ્જીને ઠીક થવામાં ચારથી છ અઠવાડિયાનો સમય લાગી શકે છે. આ કારણે તે SA ૨૦ લીગની શરૂઆતી મેચથી પણ બહાર થઈ શકે છે, જે ૯ જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થશે. જો બર્ગ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે અને તેની પહેલી મેચ ૧૧ જાન્યુઆરીએ MI કેપટાઉન સામે થવાની છે. કોએટ્જીની ટીમથી બહાર થયા બાદ શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ માટે ઝડપી બોલર ક્વેના મફાકાને સાઉથ આફ્રિકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે પાંચ ડિસેમ્બરથી ગેકેબરહામાં શરૂ થશે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પોતાના નિવેદનમાં કહ્યું, સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ગેરાલ્ડ કોએટ્જી કમરની ઈજાના કારણે શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ અને પાકિસ્તાન વિરુદ્ધ આગામી તમામ ફોર્મેટના પ્રવાસથી બહાર થઈ ગયો છે. ૨૪ વર્ષના બોલરને શનિવારે પહેલી ટેસ્ટના ચોથા દિવસે બોલિંગ કરતી વખતે અસહજ અનુભવ થયો હતો. સ્કેનના રિઝલ્ટમાં જમણી કમરની માંસપેશીઓમાં ખેંચાણ થયું હોવાનું સામે આવ્યું છે. જેને ઠીક થવામાં ચારથી છ અઠવાડિયાનો સમય લાગી શકે છે. અનકેપ્ડ ડીપી વર્લ્ડ લાયન્સના ઝડપી બોલર ક્વેના મફાકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પહેલી ટેસ્ટમાં કોએટ્જીએ ચાર વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાએ ૨૩૩ રનથી આ મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ માટે પોતાની મજબૂત દાવેદારી પણ ઠોકી દીધી. ઓસ્ટ્રેલિયાને એક સ્થાન નીચે ધકેલીને સાઉથ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ભારત બાદ બીજા સ્થાને છે.
બીજી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકા ટીમ : ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંઘમ, ક્વેના મફાકા, ટોની ડી જો ર્જી, માર્કો જાનસન, કેશવ મહારાજ, એડેન માર્કરામ, વિયાન મુલ્ડર, સેનુરન મુથુસામી, ડેન પીટરસન, કગિસો રબાડા, ટ્રિસ્ટન સ્ટબ્સ, રયાન રિકેલટન અને કાઈલ વેરેન.