Last Updated on by Sampurna Samachar
દસાડા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ ૮૦ હજારની લાંચ લેતા ઝડપાયો
ACB ની ટીમે છટકું ગોઠવીને હેડ કોન્સ્ટેબલ ભરત કાનજીભાઈ મેમકીયાને ૮૦,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે છટકું ગોઠવીને હેડ કોન્સ્ટેબલ ભરત કાનજીભાઈ મેમકીયાને ૮૦,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, એક ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ફરિયાદીને પોલીસ રિમાન્ડ દરમિયાન માર નહીં મારવા માટે અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓના નામ નહીં ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ ભરત મેમકીયાએ ૮૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે અમદાવાદ એસીબીમાં જાણ કરી હતી.
ફરિયાદના આધારે અમદાવાદ એસીબીની ટીમે દસાડા વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. હેડ કોન્સ્ટેબલ ભરત મેમકીયા જ્યારે નક્કી થયા મુજબ ૮૦,૦૦૦ની લાંચ સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ એસીબીના અધિકારીઓએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીની આ સફળ કાર્યવાહીથી ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં ભારે ફફરાટ ફેલાયો છે.