સરકારી નોકરી ન હોવાને કારણે કન્યા પક્ષે લગ્નનો ઈનકાર કર્યો
વાત મારામારી પર આવી ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લગ્ન અને સરકારી નોકરીને સીધો સંબંધ ઉત્તર પ્રદેશના ફારુખાબાદમાં જોવા મળ્યો હતો. વરે કન્યાના ગળામાં વરમાળા તો પહેરાવી પરંતુ, સરકારી નોકરી ન હોવાને કારણે કન્યા પક્ષે લગ્નનો ઈનકાર કરી દેતાં જાન કન્યા વગર પરત ફરવા માટે મજબૂર બની હતી. આમ, કન્યાની પ્રાઈવેટ નોકરી વાળા સાથે લગ્ન ન કરવાની જીદ અને વરનો સવા લાખ પગાર છતાં લાડીને સરકારી નોકરીનો મોહ એન્જિનિયરને ભારે પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફારુખાબાદમાં સરકારી કલાર્કના દીકરાની જાન આવી હતી. ગેસ્ટ હાઉસમાં કન્યા પક્ષ દ્વારા તેનું ધમાકેદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વરમાળા સહિતના રીતિરિવાજો મુજબ લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિએ વરરાજાની નોકરી વિશે પૂછ્યું અને વાત મારામારી પર આવી ગઈ હતી.
વરરાજાના પરિવારને કન્યા પક્ષે નોકરી વિશે કહ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે, તેમનો દીકરો સિવિલ એન્જિનિયર છે. પરંતુ કન્યાને સરકારી નોકરી હોવાનું કહેવામાં આવ્યું હતું. કન્યાએ તરત જ જણાવ્યું કે, હું પ્રાઈવેટ જોબવાળા વ્યક્તિ સાથે લગ્ન નહીં કરું. આ વાત સાંભળીને બંને પક્ષ ચોંકી ગયા હતા અને કન્યાને મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ કન્યા ન માની.
વાત આગળ વધતા વરરાજાએ તેની પે-સ્લીપ મંગાવી હતી. જેમાં તેની સેલેરી મહિને રૂપિયા ૧.૨૦ લાખ હોવાની માહિતી હતી. પરંતુ કન્યા ટસની મસ ન થઈ અને લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો. સમાજના લોકોએ વચ્ચે પડીને બંને પક્ષ વચ્ચે ખર્ચની રકમ વહેચાવી હતી અને છેવટે વરરાજા કન્યા વગરની જાન લઈને પરત ફર્યો હતો.