મહેસાણા સ્થિત રાધે ગ્રુપ અને તેના ભાગીદારોના સ્થળો પર દરોડા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આવકવેરા વિભાગે થોડા દિવસોના વિરામ બાદ ફરીથી રાજ્યમાં દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે મહેસાણા સ્થિત રાધે ગ્રુપ અને તેના ભાગીદારોના સ્થળો પર દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગે મહેસાણામાં રાધે ગ્રુપના સ્થળો અને અમદાવાદ અને મોરબીમાં તેના ભાગીદારોના સ્થળો પર સંયુક્ત તપાસ હાથ ધરી છે. ત્રણ સ્થળોએ બે ડઝનથી વધુ ટીમો દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં મોટી માત્રામાં બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગે મહેસાણા સ્થિત રાધે ગ્રૂપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોના સ્થળોની તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગે એક સાથે બે ડઝનથી વધુ સ્થળોની તપાસ કરી છે. રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. રાધે ગ્રુપ સાથે મોરબીના બે સિરામિક ઉદ્યોગપતિઓના કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
૭૦ IT ટીમો કામ કરી રહી છે. સવારથી જ મોરબી, અમદાવાદ, મહેસાણા સહિત અનેક જગ્યાએ આઈટી વિભાગે પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ જૂથ પેપર મિલ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. IT ની તપાસમાં બેનામી વ્યવહારો સામેલ હોવાની શક્યતા છે.