Last Updated on by Sampurna Samachar
આંકલાવ પોલીસ મથકમાં નોંધાયો ગુનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામે રેલ્વે ફાટક પાસે રોડ ઉપર રામદેવજી મંદિર નજીક રવિવારે રાત્રે દશ વાગ્યાના અરસામાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનો બનાવ આંકલાવ પોલીસ મથકમાં નોંધાયો છે.
આંકલાવ તાલુકાના મુજકુવા ગામે ગોહિલપરા રામજી મંદિરની સામે ૩૪ વર્ષીય વિજયભાઈ ઉર્ફે તબલક રમેશભાઈ ગોહિલ પોતાના ત્રણ નાના ભાઈઓ સુરેશભાઈ, ગીરીશભાઈ, અશોકભાઈ ઉર્ફે પરેશભાઈ તેમજ પિતા રમેશભાઈ અને માતા કાંતાબેન સાહિતના પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. અને મજુરી કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓની પડોશમાં પોપટભાઈ ફુલાભાઈ ગોહિલ પણ પોતાના પરીવાર સાથે રહે છે.
વિજયભાઈ ગોહિલની પાડોશમાં રહેતા પોપટભાઈ ફુલાભાઈ ગોહિલે વિજયભાઈ ગોહિલના ઘરની નજીક રોડની સામે આવેલ રામદેવજી મંદિર ખાતે રામદેવજી મહારાજનો પાઠ રાખ્યો હતો. અને સાંજના અરસામાં જમણવાર ચાલુ હતું. ત્યારે વિજયભાઈ ગોહિલના માતા, પિતા, ભાઈઓ મંદિર ખાતે બેઠા હતા અને રાત્રિના દશ વાગ્યાના અરસામાં વિજયભાઈ ગોહિલના માતા કાંતાબેન તેઓનું ઘર રામદેવજી મંદિરને પડીને આવેલ હોઈ આંકલાવ આસોદર રોડની સામે થોડે દુર આવેલ હોઈ કાંતાબેન પોતાના ઘરનો દરવાજો બંધ કરવા જવા માટે નીકળ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓને માથામાં પાછળ બોચીના ભાગે, ડાબા પગે, મોઢામાં તેમજ માથામાં ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે આંકલાવ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં વહેલી સવારે સારવાર દરમ્યાન કાંતાબેનનું મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે વિજયભાઈ ઉર્ફે તબલક રમેશભાઈ ગોહિલની ફરિયાદ લઈ આંકલાવ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.