વૈભવી કારથી અકસ્માત કર્યા બાદ જરા પણ પસ્તાવો નહિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં દારુડિયા બાદ હવે ચરસીઓ ધૂમ મચાવી રહ્યા હોય એવું લાગે છે. શહેરમાં એક અકસ્માત બાદ જે દૃશ્યો જોવાં મળી રહ્યાં છે તેનાથી સમાજની દશા અને દિશા કેટલી ચિંતાજનક છે તેનો અંદાજ આવી રહ્યો છે. શહેરના બોપલ-આંબલી રોડ પર અકસ્માતની ઘટના બાદ લોકોમાં ગભરાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ રિપલ પંચાલ નામનો એક નબીરો વૈભવી કાર લઇને નીકળ્યો અને ટાટાના શો રૂમ પાસે ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો અને અફરા-તફરી મચી ગઇ હતી. સ્થાનિકોએ નબીરાને પકડી પાડીને મેથીપાક ચખાડ્યો હતો. આ અકસ્માત કરનાર રિપલ પંચાલે હજી હમણા સપ્ટેમ્બરમાં બોડકદેવમાં પણ અકસ્માત સર્જ્યો હતો. આમ બે મહિનામાં તેણે બીજી વખત અન્ય નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા.
અકસ્માતનો ભોગ બનનાર યુવતીએ જણાવ્યા અનુસાર, તે ઓફિસ જઇ રહી હતી ત્યારે વૈભવી કારના ચાલકે ટક્કર મારી હતી અને ઢસડી હતી. ચાલક નશામાં હતો અને તેને કંઇ ભાન ન હતું. તે અકસ્માત કર્યા બાદ કારમાં બેઠાં બેઠાં સિગારેટ પી રહ્યો હતો. આ નબીરાએ ફરીવાર કાર ચલાવી અને ટાટા મોટર્સના શો રૂમ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી. આ નબીરાએ હેરિયર કાર અને એક ટેમ્પોને ટક્કર મારી હતી આ ટેમ્પો અન્ય કાર સાથે અથડાયો હતો. બાદમાં કારે એક નેક્સન કારને પણ ટક્કર મારી હતી અને ડિવાઇડર સાથે અથડાઈને ઓડી કાર ઊભી રહી ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, રિપલ પંચાલ ચરસનો બંધાણી છે અને અવારનવાર જાહેરમાં નશાની હાલતમાં જોવા મળે છે. રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ, સુરત જેવાં મોટાં શહેરોમાં શરાબખોરી ઉપરાંત હવે ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થોના બંધાણીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. એવા સમયે પોલીસની કહેવાતી સતર્કતા અને કાર્યવાહી સામે પણ સામાન્ય નાગરિકોને આશંકા જઈ રહી છે. આવા નશાબાજો વાહન લઈને નીકળે અને અકસ્માતો કરીને નિર્દોષ લોકોને ભોગ બનાવતા રહે એ સ્થિતિ ક્યાં સુધી રહેશે? એવો પ્રશ્ન પણ સામાન્ય નાગરિકો દ્વારા ઉપસ્થિત થઈ રહ્યો છે.