Last Updated on by Sampurna Samachar
આ કવાયત યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં થશે
રશિયન પ્રમુખ પુતિને અચાનક મુલાકાત લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા અને બેલારૂસના એક લાખથી વધુ સૈનિકોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ “ઝાપડ ૨૦૨૫”માં ભાગ લીધો હતો. જેની રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનએ અચાનક મુલાકાત લીધી હતી. આ કવાયત ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન બેલારુસ અને રશિયામાં નાટો સરહદો નજીક યોજાઈ હતી.
આ કવાયતમાં એક લાખથી વધુ સૈનિકો સામેલ હતા. આટલા મોટાપાયે હાથ ધરવામાં આવેલી આ કવાયતે નાટો દેશોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે, ખાસ કરીને પોલેન્ડમાં રશિયન ડ્રોન તોડી પાડ્યા બાદ હાથ ધરાયેલી આ કવાયત નવા દેશ પર હુમલાની તૈયારીનો સંકેત આપે છે.
રશિયા તરફથી કુલ ૩૦,૦૦૦ સૈનિકો સામેલ થયા
ઝાપડનો રશિયનમાં અર્થ પશ્ચિમ થાય છે. આ રશિયા અને બેલારુસ વચ્ચે દર ચાર વર્ષે યોજાતી એક મોટી સંયુક્ત લશ્કરી કવાયત છે. તેનો હેતુ બંને દેશોના યુનિયન સ્ટેટ ની સંરક્ષણ ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે. આ કવાયતમાં, સૈનિકો હુમલાને પાછો ખેંચવા, ગુમાવેલા પ્રદેશને પાછો મેળવવા અને સરહદોનું રક્ષણ કરવાની પ્રેક્ટિસ કરે છે.
આ કવાયતમાં ટેન્ક, ફાઇટર જેટ, અટેક હેલિકોપ્ટર, ડ્રોન, ક્રુઝ મિસાઇલ અને સબમરીનનો સમાવેશ થયો હતો. રશિયાએ બેરેન્ટ્સ સમુદ્રમાં ક્રુઝ મિસાઇલ લોન્ચનો અભ્યાસ કર્યો હતો. બેલારુસના સંરક્ષણ મંત્રી વિક્ટર ખ્રેનિને આ અંગે જણાવ્યું હતું કે, આ કવાયત યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં થશે.
રશિયા અને યુક્રેન વચ્ચે ૨૦૨૨માં શરૂ થયેલા યુદ્ધ બાદ આ પહેલી ઝાપડ કવાયત છે. અગાઉ ૨૦૨૧માં યોજાયેલી કવાયતમાં આશરે બે લાખ સૈનિકોએ ભાગ લીધો હતો. જાેકે હાલ યોજાયેલી ૨૦૨૫ની કવાયત નાનાપાયે રહી હતી. જેમાં બેલારુસના સત્તાવાર રીતે ૧૩,૦૦૦ સૈનિકો (૨,૦૦૦ રશિયન સહિત) અને રશિયા તરફથી કુલ ૩૦,૦૦૦ સૈનિકો સામેલ થયા હોવાનો અહેવાલ આપ્યો હતો. જ્યારે પુતિને જણાવ્યા પ્રમાણે કુલ ૧ લાખ સૈનિકોએ ભાગ લીધો હતો. આ કવાયત બેલારુસના બોરીસોવ ટ્રેનિંગ ગ્રાઉન્ડ અને રશિયાના કાલિનિનગ્રાડ પ્રદેશમાં થઈ હતી.