Last Updated on by Sampurna Samachar
વરરાજા ઠંડીના લીધે બેભાન થતા તેનું પરિણામ ભોગવવું પડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ વર્ષે ઠંડીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે ઠંડીમાં લગ્ન કરવાનું ભયંકર પરિણામ એક યુવકને વેઠવું પડ્યું હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વર કન્યાના લગ્ન થાય તે પહેલા જ તૂટી ગયાં. હકીકતમાં જોઈએ તો, ઝારખંડના દેવધરના મોહનપુર વિસ્તારના ધોરમારામાં લગ્ન દરમ્યાન વરરાજો બેભાન થઈ ગયો. જે બાદ દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. વરરાજો ધોરમારાનો રહેવાસી હતો અને તે કન્યા બિહારના ભાગલપુરની રહેવાસી હતી. દેવધરના ધોરમારા મંડળના સુખાડી મંડલ ગાર્ડનમાં એક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.. વરરાજા વાજતે ગાજતે જાન લઈને સુખાડી ગાર્ડનમાં આવી ગયો. કન્યા પક્ષે જાનૈયાઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું. તો વળી આ ગાર્ડનમાં ખુલ્લા આકાશ નીચે વરમાળાનો સ્ટેજ બનાવ્યો હતો. જ્યાં વર અને કન્યા ધૂમધામથી લગ્ન કરવાના હતા. સુખાડી મંડલ ગાર્ડનમાં મંડપ પણ ખુલ્લા આકાશ નીચે બનાવ્યો હતો.
ત્યાં વર અને કન્યાના વરમાળા થવામાં હજુ ટાઈમ હતો. આ રસમ માટે બંનેના પરિવાર રાહ જોઈને બેઠા હતા. બરાબર એ જ સમયે અચાનક ધ્રુજતા વરરાજ બેભાન થઈને પડી ગયો. તાત્કાલિક વરરાજાને રૂમમાં લઈ જવામાં આવ્યો અને ગામમાંથી ડોક્ટરને બોલાવ્યો. ડોક્ટરે ઠંડીથી બચવા માટે ઈન્જેક્શન આપ્યું. લગભગ દોઢ કલાક બાદ વરરાજા ભાનમાં આવ્યો. ડોક્ટરનું કહેવું છે કે, ભૂખ્યા પેટે હોવાથી વરરાજા બેભાન થયો અને ઉપરથી ઠંડી વધારે લાગી હતી. ઈન્જેક્શન લગાવ્યાના લગભગ દોઢ કલાક બાદ જ્યારે વરરાજા ભાનમાં આવ્યો તો વિધિ ફરીથી શરૂ કરવા માટે વરરાજા મંડપમાં આવ્યો. તે જ સમયે દુલ્હને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. દુલ્હનનું માનવું હતું કે, વરરાજામાં કોઈ બીમારી હોય શકે છે. જેના કારણે આ લગ્ન થઈ શકે નહીં. બંને પક્ષના લોકોએ દુલ્હનને બહુ સમજાવી, પણ દુલ્હન લગ્ન કરવા તૈયાર જ થઈ નહીં.