Last Updated on by Sampurna Samachar
અશ્લીલ અને અભદ્ર મેસેજ, વીડિયો અને ફોટા મોકલ્યા
થાણે પોલીસે આરોપી ૨૬ વર્ષીય યુવકની કોલ્હાપુરથી ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના થાણેમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક ૨૬ વર્ષીય યુવકે મહિલાની ઓળખ આપીને એક ધારાસભ્યને ફસાવવાનો અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. થાણે પોલીસે આરોપી ૨૬ વર્ષીય મોહન જ્યોતિબા પવારની કોલ્હાપુરથી ધરપકડ કરી છે.
અહેવાલો અનુસાર, આરોપી મોહન પવારે સોશિયલ મીડિયા અને ચેટ એપ પર મહિલા તરીકે પોતાની ઓળખ આપીને ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો. તેણે ધારાસભ્યને અશ્લીલ અને અભદ્ર મેસેજ, વીડિયો અને ફોટા મોકલીને ફસાવવાનો પ્રયાસ કર્યો.
આ ગુનામાં કોઈ મહિલા સામેલ નથી તેવી સ્પષ્ટતા
યુવકે ધારાસભ્ય પાસેથી ૫ થી ૧૦ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. આ મામલે તપાસ કરતા પોલીસને લાગ્યું કે, આ ઘટનામાં એક મહિલા સામેલ છે, પરંતુ ટેકનિકલ તપાસ અને કોલ ડિટેલ રેકોર્ડ્સ દ્વારા સત્ય બહાર આવ્યું કે આખું કાવતરું મોહન પવારે જ ઘડ્યું હતું. થાણે શહેર પોલીસે જણાવ્યું કે, આરોપીએ ધારાસભ્યને વિશ્વાસ અપાવવા માટે પોતાની બહેનના આધાર કાર્ડનો ફોટો પણ મોકલ્યો હતો, જેથી તેમને ખાતરી થાય કે તે એક મહિલા છે.
હાલ આરોપી સામે ભારતીય દંડ સંહિતા બ્લેકમેઇલ અને ખંડણી અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આ ગુનામાં કોઈ મહિલા સામેલ નથી, ન તો આરોપીની બહેન કે ન તો અન્ય કોઈ મહિલા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કોલ્હાપુરની મુલાકાત દરમિયાન ધારાસભ્યને મળ્યો હતો, ત્યારબાદ તેણે બ્લેકમેલિંગની યોજના બનાવી હતી. પોલીસ હાલમાં આરોપીના મોબાઈલ ફોન અને ચેટની વિગતોની ટેકનિકલ તપાસ કરી રહી છે કે શું તે અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવી જ પ્રવૃત્તિઓમાં સામેલ હતો કે કેમ.