Last Updated on by Sampurna Samachar
દિલ્હીમાં કંપનીનો માલિક જણાવી IT વિભાગે ફટકારી નોટિસ
૬ કરોડ રૂપિયાની નોટિસ પગલે યુવકનો પરિવાર માથે ચિંતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના દમોહમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પથરિયા નગરમાં ઈંડાની લારી ચલાવતા શખ્સના નામે દિલ્હીમાં કરોડોનો બિઝનેસ કરતી નકલી કંપની (ડમી કંપની) ચાલી રહી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ કંપનીનું ટર્નઓવર ૫૦ કરોડ રૂપિયાથી વધારે અને તેને ૬ કરોડનો GST ચૂકવવાનો બાકી છે. જેથી આવકવેરા વિભાગે આ મામલે ઈંડાની લારી ચલાવતા શખ્સને નોટિસ (notice) મોકલીને બેંક સ્ટેટમેન્ટ અને અન્ય ડોક્યુમેન્ટની માંગ કરી છે. નોટિસ મળતા જ આખો પરિવાર ગભરાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, પથરિયા નગરમાં રહેતો પ્રિન્સ સુમન ઈંડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેના નામે દિલ્હીમાં પ્રિન્સ એન્ટરપ્રાઈઝ નામની એક કંપની રજિસ્ટર્ડ મળી આવી છે, જેણે ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન લગભગ ૫૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું. આ કંપની ચામડા, લાકડા અને લોખંડનો બિઝનેસ કરી રહી હતી, પરંતુ તેણે ૬ કરોડનો GST ચૂકવ્યો ન હતો. જેના કારણે હવે આવકવેરા વિભાગે ઈંડાની લારી ચલાવતા પ્રિન્સ સુમનને ૬ કરોડ રૂપિયાની લેણી રકમ માટે નોટિસ મોકલી છે.
ક્યારેય દિલ્હી ન ગયા તો કંપની ક્યાંથી આવી ?
નોટિસ મળતા જ પ્રિન્સ સુમન અને તેનો પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો છે. પ્રિન્સ સુમને આ મામલે મીડિયાને જણાવ્યું કે, તે ક્યારેય દિલ્હી ગયો નથી. તેણે ક્યારે દિલ્હી જોયું પણ નથી. તે માત્ર ઈન્દોરમાં મજૂરી કરવા માટે ગયો હતો. તેણે કોઈને તેનું પાન કાર્ડ અથવા આધાર કાર્ડ આપ્યું નથી, તો તેના નામે કોઈએ ડમી કંપની કેવી રીતે બનાવી દીધી ? આ નોટિસ મળ્યા બાદ પ્રિન્સ સુમનનો પરિવાર ડરી ગયો છે.
પ્રિન્સના પિતા શ્રીધર સુમન નાની કરિયાણાની દુકાન ચલાવે છે, તેમણે આ મામલે SP ને અરજી આપીને ન્યાયની અપીલ કરી છે. એડવોકેટ અભિલાષ ખરેએ જણાવ્યું કે, આ બાબતની માહિતી મળ્યા બાદ તેમણે આવકવેરા વિભાગ સાથે પત્રવ્યવહાર કર્યો છે અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી આ છેતરપિંડીનો પર્દાફાશ થઈ શકે.