Last Updated on by Sampurna Samachar
એક અશ્લીલ મજાક કરવી રણવીરને ભારે પડી ને વિવાદમાં લઇ ગઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મશહૂર યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયાને કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ પર કરવામાં આવેલી એક અશ્લીલ મજાક કરવાની ભારે પડી ગઈ છે. જેને લઈને હવે તેની ખૂબ ટીકા થઇ રહી છે.
મામલો એટલો બધો આગળ વધી ગયો કે રણવીર સહિત ઘણાં લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેન લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ નિયમ તોડશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
હકીકતમાં કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટમાં હાજર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતાના અંગત જીવન સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. જેને લઈને લોકો તરત જ ગુસ્સે ભરાયા ગયા હતા અને લોકોએ સમય અને રણવીર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ કેસમાં હવે રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા ઉર્ફે રેબેલ કીડ, કોમેડિયન સમય રૈના અને શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હવે આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મને પણ આ અંગે માહિતી મળી છે. જોકે, મેં તે જોયું નથી. મને ખબર પડી છે કે તેમાં એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે જેમાં અશ્લીલતા હતી, જે બિલકુલ ખોટું છે.
વાણી સ્વાતંત્ર્ય દરેક માટે છે પણ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થઇ જાય છે. આ બરાબર નથી. દરેકની પોતાની મર્યાદા હોય છે, અમે અશ્લીલતા માટે પણ નિયમો નક્કી કર્યા છે. જો કોઈ તેમને ઓળંગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ માફી માંગતા જણાવ્યું હતું કે, મારી કોમેન્ટ ફક્ત અયોગ્ય જ નહી પણ રમુજી પણ નહોતી. કોમેડી મારો ખાસ ગુણ નથી. તમારામાંથી ઘણાએ મને પૂછ્યું છે કે, શું હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરવા માંગુ છું. દેખીતી રીતે હું તેનો આ રીતે ઉપયોગ કરવા માંગતો નથી. જે બન્યું તેની પાછળ હું કોઈ તર્ક આપીશ નહીં. હું તો અહીં માફી માંગવા આવ્યો છું.