Last Updated on by Sampurna Samachar
વિમાન દુર્ઘટનામાં પાયલટના પિતાને સુપ્રીમ કોર્ટે કહ્યું
આ મામલે આગામી સુનાવણી ૧૦મી નવેમ્બરે થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ૧૨મી જૂનના રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનને નોટિસ ફટકારીને કરીને ન્યાયિક તપાસની માંગ પર જવાબ માંગ્યો છે. કોર્ટે આ નોટિસ દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરના પાયલટ ઈન કમાન્ડ સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલની અરજી પર આપી છે.

અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ સૂર્યકાન્તે મૃતક પાયલટના પિતા પુષ્કરરાજ સભરવાલને સાંત્વના આપતા કહ્યું કે, આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ તમે ટેન્શન ના લો, તમારા દીકરાને દોષિત ગણવામાં આવ્યો નથી. કોર્ટે આ ટિપ્પણી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પ્રારંભિક તપાસમાં પાયલટ ઇન કમાન્ડને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. આ મામલે આગામી સુનાવણી ૧૦મી નવેમ્બરે થશે.
મૃતક પાયલટના પિતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
મૃતક પાયલટ સુમિત સભરવાલના પિતાએ વિમાન દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગણી કરી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સએ પણ આ જ માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જુલાઈમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ટેકઓફ પછી તરત જ બંને એન્જિનમાં ફ્યુઅલ સપ્લાય બંધ (ફ્યુઅલ કટઓફ) થઈ ગયો હતો.
તપાસ રિપોર્ટમાં જણાવાયું હતું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ એક પછી એક કટઓફ થઈ ગઈ હતી, જાેકે લગભગ ૧૦ સેકન્ડ પછી સ્વીચ ફરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ એન્જિનમાં આગ લાગી ગઈ અને તેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્રારંભિક રિપોર્ટ રજૂ થયા બાદ જ મૃતક પાયલટના પિતાએ ન્યાયિક તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૧૨મી જૂને બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી એન્જિનમાં ખામી સર્જાતા વિમાન બી.જે. મેડિકલ કૉલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૨૭૦ થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં ૨૪૧ મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.