Last Updated on by Sampurna Samachar
સિયાચેનમાં હિમસ્ખલનમાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ
ઓપરેશન મેઘદૂત બાદથી ભારતે સિયાચેન પર કબ્જો જાળવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચેન ગ્લેશિયરમાં હિમસ્ખલન થતાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે. -૬૦ ડિગ્રી તાપમાન, ભારે પવન અને બર્ફીલા તોફાનો વચ્ચે ફરજ બજાવતા સૈનિકો માટે આ વિસ્તાર જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિયાચેનમાં સેનાની એક પોસ્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઈ, જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં જ સેનાની બચાવ ટીમોએ રાહત કાર્ય શરૂ કરી દીધું છે. લેહ અને ઉધમપુરથી વધારાની મદદ પણ મગાવવામાં આવી છે.
અત્યાર સુધીમાં ૧,૦૦૦ થી વધુ ભારતીય જવાનો શહીદ
મહત્વનું છે કે સિયાચેનમાં શિયાળા દરમિયાન હિમસ્ખલન સામાન્ય છે. કારાકોરમ પર્વતમાળામાં ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા સિયાચેન ગ્લેશિયરમાં હિમસ્ખલનની ઘટના મચમચાવી દે તેવી છે. આ દુર્ઘટના ઉત્તરી ગ્લેશિયર ક્ષેત્રમાં બની, જ્યાં ઊંચાઈ ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦ ફૂટ છે. આ દુર્ગમ વિસ્તારમાં સૈનિકોએ ફક્ત દુશ્મનો સામે જ નહીં, પરંતુ પ્રકૃતિના કહેર સામે પણ લડવું પડે છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૮૪ માં શરૂ થયેલા ઓપરેશન મેઘદૂત બાદથી ભારતે સિયાચેન પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે. જોકે, ખરાબ હવામાનને કારણે અત્યાર સુધીમાં ૧,૦૦૦ થી વધુ ભારતીય જવાનો શહીદ થઈ ચૂક્યા છે, જે આ વિસ્તારની ભયાનકતા દર્શાવે છે.