ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીનો હતો કેસ
પરિવારના લાભ માટે મારા પાવરનો ઉપયોગ કરીશ નહિ : જો બાઈડન
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ જો બાઈડને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના કેસમાં તેમના પુત્ર હન્ટરને બિનશરતી માફી આપી દીધી છે. લોકો પ્રમુખ બાઈડનના આ ર્નિણયને તેમના વચન પર યુ-ટર્ન લીધો હોવાનું કહી રહ્યા છે, આ વચનમાં પ્રમુખ બાઈડને કહ્યું હતું કે, તેઓ તેમના પરિવારના લાભ માટે તેમની પાવરનો ઉપયોગ કરશે નહીં. પ્રમુખ જો બાઈડને એક નિવેદન જારી કરીને કહ્યું કે, આજે મેં મારા પુત્ર હન્ટરને માફ કરી દીધો છે. જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું છે ત્યારથી મેં કહ્યું છે કે, હું ન્યાય વિભાગના ર્નિણયોમાં દખલ નહીં કરીશ અને મેં આ વચન પાળ્યું છે.
પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને અન્યાયી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના પર લગાવવામાં આવેલા આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. પ્રમુખ બાઈડને આગળ કહ્યું કે, કોઈપણ સમજદાર વ્યક્તિ જે હન્ટરના કેસને અનુસરશે તે સમજી શકશે કે, તેને જાણી જાેઈને નિશાન બનાવવામાં આવ્યો હતો. પ્રમુખ બાઈડને કહ્યું કે, તેમણે આ સપ્તાહના અંતમાં જ આ ર્નિણય લીધો છે. મને આશા છે કે અમેરિકનો સમજી શકશે કે પિતા અને પ્રમુખે આ ર્નિણય કેમ લીધો. અગાઉ, પ્રમુખ બાઈડને કહ્યું હતું કે, તે ડેલાવેયર અને કેલિફોર્નિયામાં ચાલી રહેલા બે કેસોમાં તેમના પુત્ર હન્ટરને માફ કરશે નહીં કે તેની સજામાં દખલ કરશે નહીં.
અમેરિકી પ્રમુખ બાઈડનના પુત્ર હન્ટર બાઈડન પર કરચોરીથી લઈને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા, સરકારી નાણાનો દુરુપયોગ અને ખોટી જુબાની આપવા જેવા આરોપોનો સામનો કરવો પડે છે. અગાઉ, ડેલાવેયર કોર્ટમાં, હન્ટરે કરચોરી અને ગેરકાયદેસર બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો હતો. એવા આક્ષેપો છે કે, હન્ટર બાઈડને જાણી જાેઈને આવકવેરો ચૂકવ્યો નથી. તે ૨૦૧૭ અને ૨૦૧૮માં ૧૫ લાખ ડોલરથી વધુ ટેક્સ રિટર્ન સમયસર ફાઇલ કરી શક્યો નહોતો. આ બે વર્ષમાં તેની કમાણી પર એક લાખ ડોલરથી વધુની રકમ બાકી છે. તેના પર ૧૨થી ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ વચ્ચે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાનો પણ આરોપ છે. આ તે સમય હતો જ્યારે તેને ડ્રગ્સની લત લાગી હતી. હન્ટર બાઈડન લોબીસ્ટ વકીલ અને વિદેશી કંપનીઓ માટે કન્સલ્ટિંગ તરીકે કામ કરે છે. તે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને કલાકાર છે.