Last Updated on by Sampurna Samachar
ગળેટુંપો આપીને મારી નાખ્યા બાદ પુરાવા મિટાવી દીધા
ઇન્ફોસિટી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં શ્રમિકની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના ૪૦ વર્ષીય જગદેવ પાસવાનની લાશ આંબાવાડી ફાર્મ હાઉસમાં એક ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.

ચોંકાવનારી બાબત એ છે કે મૃતકના હાથ પાછળના ભાગે લાલ કપડાથી બાંધેલા હતા, જેના પરથી પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે કે જગદેવને ગળેટુંપો આપીને મારી નાખ્યા બાદ પુરાવા મિટાવવા તેને લટકાવી દેવામાં આવ્યો હતો. મૃતક જગદેવ માત્ર એક દિવસ પહેલા જ મજૂરી કામ માટે ગાંધીનગર આવ્યો હતો અને સાઇટ પર તેના સંબંધીઓ સાથે રહેતો હતો.
પોલીસે છ થી વધુ શકમંદોની અટકાયત કરી પૂછતાછ શરૂ કરી
પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના સમયે અજાણ્યા શખસો તેને લેબર કોલોનીમાંથી પાસેના ફાર્મમાં લઈ ગયા હોવાનું મનાય છે. સવારે અન્ય મજૂરોએ ઝાડ પર લટકતી લાશ જોઈને બૂમરાણ મચાવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇન્ફોસિટી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ વારંવાર લેબર કોલોનીની કેટલીક ઓરડીઓ પાસે જતી હોવાથી પોલીસને આસપાસના લોકો પર જ શંકા ગઈ છે. હાલમાં પોલીસે જગદેવના સગા-સંબંધીઓ અને તેની સાથે રહેતા અન્ય મજૂરો સહિત છ થી વધુ શકમંદોની અટકાયત કરી પૂછતાછ શરૂ કરી છે. પત્નીના અવસાન બાદ રોજગારી માટે આવેલા જગદેવની હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.