Last Updated on by Sampurna Samachar
કોન્ટ્રાક્ટરો સરકારના આદેશને અવગણી રહ્યા છે
એપ્રિલ થી જુન દરમિયાન શ્રમિકોને બપોરે કામ ન કરાવવા સરકારનો આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠાના વડાલી ખાતે એક શ્રમિકનુ મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે. શ્રમિક વડાલી ખાતે રેલવે લાઇનનું કામ કરી રહ્યા હતાં. આ દરમિયાન ગરમીમાં કામ કરતાં શ્રમિકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. જ્યાં શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે વડાલીના સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સરકારના આદેશને અવગણતા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
નોંધનીય છે કે, સાબરકાંઠામાં ગરમીને લઇ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને સરકારે શ્રમિકોની સલામતી માટે બપોરે કામ બંધ રાખવા માટે આદેશ કર્યો હતો. પરંતુ, કોન્ટ્રાક્ટરો તો જાણે સરકારના નિયમને ઘોળીને પી ગયા હોય તે પ્રકારે પોતાની મનમાની કરી રહ્યા છે.
જાહેરનામુ બહાર પાડી અપાઇ સુચના
રાજ્યમાં વધતી ગરમીને ધ્યાને લઈ શ્રમિકોને સુરક્ષા માટે રાજ્ય સરકારે બપોરે શ્રમિકો પાસે કામ ન કરાવવા આદેશ કર્યો હતો. જે અંગે જાહેરનામું બહાર પાડી સૂચના પણ આપવામાં આવી હતી. જાહેરનામાંમાં લખવામાં આવ્યું હતું કે, ‘ભારતીય હવામાન વિભાગ દ્વારા એપ્રીલ થી જૂન દરમિયાન હિટવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના તમામ ઉદ્યોગો, બાંધકામ સાઇટ્સ, મનરેગા વર્કર્સ, ઇટભઠ્ઠા તથા અન્ય સ્થળે કામ કરતા શ્રમિકોને હીટવેવથી નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલા લેવાં જરૂરી છે. જે ધ્યાને લઈ શ્રમિકોને ઉનાળાની સિઝનમાં અવારનવાર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે ૧:૦૦ થી ૪:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ વિવિધ કામગીરી સાથે સંકળાયેલ શ્રમિકોને આગામી એપ્રિલ-૨૦૨૫ થી જૂન-૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન ખુલ્લામાં સીધી રીતે સૂર્યના તાપની અસર ન પડે તેવી રીતે કામગીરી કરાવવા સૂચના આપવામાં આવે છે.