Last Updated on by Sampurna Samachar
પોલીસે ૫ આરોપીને પકડી પાડ્યા
ફસાયેલા ખેડૂતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી શહેરમાં એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સોનાના બિસ્કીટ-ચેઇન,કાર, બાઈક અને મોબાઇલ મળી કુલ રૂ. ૫૧ લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ પડાવ્યા હોવાનુ કહેવાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે, હાલના હનિટ્રેપ કેસમાં જે મહિલા આરોપી સંડોવાયેલી છે, તેની અગાઉ પહેલા પણ આવો જ એક હનીટ્રેપ કેસ નોંધાયેલો છે, તેમ છતાં પણ તેણીએ અન્ય સાત જેટલા શખ્સો સાથે મળીને વધુ એક હનિટ્રેપના કેસને અંજામ આપ્યો છે.

આ મામલે પોલીસે તપાસ હાથ ધરી ૫ લોકોની પકડી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.ઘટનાની વિગતવાર વાત કરીએ તો, આ હનિટ્રેપનો શિકાર બનનાર ખેડૂત પોતાની વાડી માટે મજૂર શોધી રહ્યા હતા, જે જાણ થતાં પાંચાભાઇ માણસુરીયા નામના શખ્શે તેના સાગરિતો સાથે મળીને આ આખું હનિટ્રેપનું ષડયંત્ર રચ્યું હતું.
મહિલા સાથે ખેડૂતના વાંધાજનક ફોટા-વિડિયો ઉતાર્યા
પ્લાનિંગ મુજબ પાંચાભાઇ માણસુરીયાએ એક મહિલાને મજૂરીના બહાને વાડીએ મોકલી હતી અને બાદ અન્ય આરોપીઓ વાડીએ આવી આ મહિલા સાથે ખેડૂતના વાંધાજનક ફોટા-વિડિયો ઉતારી ખોટી ફરિયાદ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આમ કરીને તેઓએ અધધ ૧ કરોડ ૧૧ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તેમાંના રૂ.૫૦ લાખના ૪ સોનાના બિસ્કીટ, ૨.૫ તોલાનો સોનાનો ચેઇન તથા રોકડા રૂપિયા સહિત રૂ.૫૩,૫૦,૦૦૦/-ની માલમત્તા બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. બાદમાં વધુ રૂપિયા કઢાવવા માટે આ લોકોએ ખેડૂતનું અપહરણ કરી ગોંધી રાખ્યા હતા. જાેકે સમય જતાં કોઈને કોઈ રીતે ભોગ બનનાર ખેડૂત આ ગઠિયાઓના ચંગૂલમાંથી નીકળી ગયા બાદ તેઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
હનીટ્રેપનો ભોગ બનેલા ખેડૂતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે પોલીસે ૮ માંથી ૫ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. આ સાથે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ, સોનાનો ચેઇન, કાર, બાઈક અને મોબાઇલ મળી કુલ રૂ.૫૧ લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે.
જ્યારે ફરિયાદ અનુસારના ત્રણ આરોપી બોટાદ રતનપરના મનીષભાઇ ગારીયા, બોટાદ નાગલપરના રમેશ ઉર્ફે રામાભાઇ હાડગડા તથા મુખ્ય મહિલા આરોપી ખુશી પટેલ હાલ ફરાર છે, જેઓને પકડવા પોલીસે તપાસની તજવીજ ચાલુ છે.
આ મામલે વધુ માહિતી આપતા મોરબી ડીવાયએસપી વી.બી.દલવાડીએ જણાવ્યું કે, પોલીસે પકડેલ આરોપીઓ પાસેથી મળેલ ત્રણ સોનાના બિસ્કીટ, સોનાનો ચેઇન, બે કાર, એક એક્સેસ બાઈક અને ૬ મોબાઇલ સહિત કુલ રૂ.૫૧,૧૧,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.