Last Updated on by Sampurna Samachar
સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત
પૂરઝડપે આવતી કારે બાઈક પર સવાર પરિવારને ફંગોળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો વડાલી–ખેડબ્રહ્મા હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે બે નિર્દોષ બાળકો સહિત ત્રણ લોકો લોહીલુહાણ થયા હતા.

મળતી માહિતી મુજબ વડાલી–ખેડબ્રહ્મા હાઇવે પર એક ટાટા નેક્સોન કારના ચાલકે પૂરપાટ ઝડપે આવીને બાઈક સવાર પરિવારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
જ્યારે બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિ અને બે નાના બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જોકે, બંને બાળકોની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. જિલ્લામાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને કારણે વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.