Last Updated on by Sampurna Samachar
ચાલુ કારમાં જબરદસ્તી કર્યું સામુહિક દુષ્કર્મ
3 લોકોની કેસ મામલે ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી એક ખાનગી IT કંપનીમાં ઉચ્ચ પદ પર બેઠેલા લોકો દ્વારા માનવતા અને કાયદાની હદ પાર કરાયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહિલા મેનેજર સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે કંપનીના ડિરેક્ટર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં કારના ડેશકેમમાંથી મળેલા ઓડિયો-વીડિયો ફૂટેજ મહત્વપૂર્ણ પુરાવા તરીકે સામે આવ્યા છે.

જિલ્લા પોલીસ અધિક્ષક યોગેશ ગોયલે જણાવ્યું કે, પીડિતાના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જાેતા તપાસ એડિશનલ SP માધુરી વર્માને સોંપવામાં આવી છે.
પાર્ટીના બહાને મહિલાને કારમાં બેસાડી દુષ્કર્મ આચર્યું
પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓમાં IT કંપનીના CEO જીતેશ તેમની મહિલા સહકાર્યકર, એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા અને તેમના પતિ ગૌરવનો સમાવેશ થાય છે. ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
પોલીસના જણાવ્યાનુસાર, ઉદયપુરના શોભાગપુરા વિસ્તારની એક હોટલમાં કંપનીના CEO નો જન્મદિવસ અને નવા વર્ષની પાર્ટી રાખવામાં આવી હતી. રાતે ૧:૩૦ વાગ્યે પાર્ટી પૂરી થયા બાદ પીડિતાની તબિયત લથડી હતી. મહિલા એક્ઝિક્યુટિવ હેડ શિલ્પાએ તેને ઘરે છોડવાના બહાને પોતાની સાથે ‘આફ્ટર પાર્ટી’માં આવવા દબાણ કર્યું હતું.
રાત્રે ૧:૪૫ વાગ્યે પીડિતાને બળજબરીથી કારમાં બેસાડવામાં આવી હતી. કારમાં CEO જીતેશ અને ગૌરવ પહેલેથી હાજર હતા. રસ્તામાં પીડિતાને નશાકારક ધૂમ્રપાન કરાવી બેભાન કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે છેડતી તથા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
સવારે ૫ વાગ્યે પીડિતાને ઘરે છોડી દેવાઈ હતી. ભાનમાં આવ્યા બાદ પીડિતાએ શરીરે ઈજાના નિશાન જોતા પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને કારના ડેશકેમમાંથી આખી ઘટનાના ઓડિયો અને વીડિયો પુરાવા મળી આવ્યા છે.
SP યોગેશ ગોયલના જણાવ્યા મુજબ, મેડિકલ તપાસમાં પીડિતાના શરીર પર ઈજાના નિશાન મળ્યા છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ સામૂહિક દુષ્કર્મની પુષ્ટિ કરે છે. હાલ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.