Last Updated on by Sampurna Samachar
મજાકમાં કરવામાં આવી રહેલો સીન ખરેખર ફાંસી જેવો બન્યો
મહિલાને સોશિયલ મીડિયા પર રીલ બનાવવી ખૂબ પસંદ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના કાનપુર નજીક બાંદા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાના ચક્કરમાં એક ૨૭ વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા વીડિયોમાં ફાંસી લગાવવાનું નાટક કરી રહી હતી, પરંતુ આ દરમિયાન ફાંસો ખરેખર તેની ગરદન પર કસાઈ ગયો અને તે પોતાની જાતને બચાવી શકી નહીં. મહિલાનું નામ મોહિની હતું. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, મોહિનીને સોશિયલ મીડિયા પર રીલ બનાવવી ખૂબ પસંદ હતી.

પરિવારના જણાવ્યા મુજબ, મહિલાએ પોતાના રૂમમાં મોબાઈલથી એક રીલ બનાવી રહી હતી. તે રીલમાં ફાંસી લગાવવાનો સીન કરી રહી હતી. આ માટે તેણે છતના હૂક પર દોરડું બાંધ્યું, એક સ્ટૂલ પર ઊભી રહી અને દોરડું પોતાની ગરદનમાં નાખીને એક્ટિંગ કરવા લાગી હતી.
પરિવારને પહેલાં મહિલાએ આપઘાત કર્યા હોવાનુ લાગ્યું
રીલ બનાવતી વખતે અચાનક તેનું સંતુલન બગડ્યું અથવા પગ લપસી ગયો હતો. જ્યારે તેના પગ સ્ટૂલ પરથી નીચે ઉતરી ગયા, ત્યારે મજાકમાં કરવામાં આવી રહેલો સીન ખરેખર ફાંસી જેવો બની ગયો હતો, અને ગણતરીની સેકન્ડોમાં તેનું મોત થઈ ગયું હતું.
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે તેની ૪ વર્ષની પુત્રી રૂમમાં આવી અને, પોતાની માતાને લટકતી જોઈ હતી. બાળકી જોરજોરથી રડવા લાગી, ત્યારબાદ આસપાસના લોકો અને પરિવારના સભ્યો દોડીને રૂમમાં પહોંચ્યા હતા. શરૂઆતમાં પરિવારને લાગ્યું કે, મોહિનીએ આત્મહત્યા કરી છે, પરંતુ બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે, તે રીલ બનાવી રહી હતી, ત્યારે જ આ અકસ્માત થયો હતો.
સૂચના મળતા જ બાબેરૂ પોલીસ સ્ટેશનની ટીમ અને પોલીસ અધિક્ષક પલાશ બંસલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. એસપી પલાશ બંસલે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ મામલો રીલ બનાવતી વખતે થયેલા અકસ્માત જેવો લાગે છે. પોલીસ દરેક પાસાથી તપાસ કરી રહી છે.