Last Updated on by Sampurna Samachar
જમ્મુ – કાશ્મીરના કઠુઆમાં અજાણ્યા શખ્સોના આવવાથી ડરનો માહોલ
પહલગામ હુમલા બાદ સુરક્ષાદળો સતર્ક
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકી હુમલા બાદ જમ્મુ – કાશ્મીરમાં સુરક્ષાદળો વધારે સતર્ક થઇ ગયા છે. ત્યારે સરકારે જે પણ લોકો આ હુમલામાં સામેલ છે, તેમને છોડવામાં આવશે નહીં તેમ નક્કી કર્યુ છે. આ દરમ્યાન હવે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં જે થયું, તેનાથી સૌ કોઈમાં ડરનો માહોલ ઉભો થઇ ગયો છે.

હકીકતમાં જોઈએ તો, બે યુવક સેનાની વરદીમાં પહેલા એક ઘરમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ સેનાના જવાનો છે. તેમને પાણી પીવું છે. મહિલાએ તેમને પાણી આપ્યું. પણ એક સત્ય એ પણ છે કે, તેમને શંકા ગઈ કે આ યુવકો સૈનિક નહીં પણ સંદિગ્ધ આતંકી હોઈ શકે છે. જેથી મહિલાએ તરત આ ઘટનાની જાણકારી સુરક્ષાદળોને આપી હતી .
સુરક્ષાદળોએ તલાશી અભિયાન શરૂ કર્યું
જમ્મુ કાશ્મીર (JAMMU-KASHMIR) ના કઠુઆ જિલ્લાના ઘઘવાલ વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે. સંદિગ્ધ ગતિવિધિઓની સૂચના મળતા સુરક્ષા દળે વ્યાપક તલાશી અભિયાન શરૂ કર્યું. એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, બે અજાણ્યા વ્યક્તિ, જે સેનાની વરદીમાં હતા, તેમના ઘરે આવ્યા અને પાણી માગ્યું હતું. તેમણે ખુદને સેનાના જવાનો ગણાવતા તેઓ કેમ્પ પરત ફરી રહ્યા હોવાનું કહ્યું. પાણી પીધા બાદ તેઓ ત્યાંથી જતા રહ્યા. મહિલાને તેમની ગતિવિધિ સંદિગ્ધ લાગતા સ્થાનિક પોલીસને સૂચના આપી હતી.
પોલીસ અને અર્ધસૈનિક દળોએ તરત પ્રતિક્રિયા આપતા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સેનાએ ગામ અને આજુબાજુના વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી અને સંદિગ્ધોને શોધવાનું ચાલુ કરી દીધું. આ ઘટના એવા સમયે થઈ છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળ આતંકવાદીઓ વિરુદ્ધ સતર્ક છે.
હાલમાં જ આ વિસ્તારમાં આતંકી ગતિવિધિઓ અને ઘુસણખોરી વધી ગઈ છે. જેનાથી સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક થઈ ગઈ છે. સુરક્ષા દળોએ સ્થાનિક રહેવાસીઓને અપીલ કરી છે કે, તેઓ કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિઓની તરત સૂચના આપે અને અફવાથી દૂર રહે.આ પ્રકારની સતર્કતા અને સહયોગથી આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની ખાતરી કરી શકાશે. અત્યાર સુધી તો આ સંદિગ્ધોના કોઈ સુરાગ મળ્યા નથી. પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
સુરક્ષા દળોનું કહેવું છે કે, તેઓ કોઈ પણ સંભવિત ખતરાથી લડવા માટે તૈયાર છે. આ ઘટનાએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ કેટલી નાજુક છે અને કેવી રીતે સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી સંભવિત ખતરાને ટાળી શકાય છે.