Last Updated on by Sampurna Samachar
મેઘરજ રેન્જ ઓફિસ દ્વારા બેડઝના ડુંગર પર ફાયર મોકડ્રિલ યોજાઈ
આ કવાયતમાં જંગલની આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં વન વિભાગની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉનાળાની શરૂઆત સાથે જ જંગલ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ વધતી હોય છે, ત્યારે વન સંપદાને બચાવવા માટે તંત્ર કેટલું સજ્જ છે, તે ચકાસવા માટે અરવલ્લીના મેઘરજ ખાતે એક વિશેષ ફાયર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘરજ રેન્જ ઓફિસ દ્વારા આયોજિત આ કવાયતમાં જંગલની આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં વન વિભાગની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

મોકડ્રિલના ભાગરૂપે મેઘરજ વન વિભાગને એક ઈમરજન્સી કોલ મળ્યો હતો કે, બેડઝના ડુંગરાળ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ કોલ મળતાની સાથે જ મેઘરજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. ડી. ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી. રેન્જના કર્મચારીઓ તમામ જરૂરી સાધનો સાથે ગણતરીની મિનિટોમાં જ ડુંગર પર નિયત કરેલા સ્થળે દોડી ગયા હતા.
વન વિભાગના કર્મચારીઓએ ઉત્સાહ સાથે પ્રેક્ટિસમાં લીધો ભાગ
ઘટના સ્થળે પહોંચ્યા બાદ વન કર્મીઓએ આધુનિક ટેકનિક અને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આગને આગળ વધતી કેવી રીતે અટકાવવી અને મર્યાદિત સાધનોમાં પણ વનરાજીને કેવી રીતે સુરક્ષિત રાખવી તેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે આ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો.
RFO જે. ડી. ડામોરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગરમી વધતા જંગલોમાં લાગતી આગ (દાવાનળ) સામે લડવા માટે સ્ટાફને તાલીમબદ્ધ કરવો જરૂરી છે. આ મોકડ્રિલ દ્વારા રેન્જના કર્મચારીઓનો પ્રતિસાદ સમય અને સાધનોની સ્થિતિની ચકાસણી કરવામાં આવી છે. આ સફળ મોકડ્રિલથી સાબિત થયું છે કે મેઘરજ વન વિભાગ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણપણે સજ્જ છે.