Last Updated on by Sampurna Samachar
આણંદ, ભરૂચ, સુરત, નર્મદા, સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત રાજ્યમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે. ત્યારપછી તાપમાન નોર્મલ થશે અને અત્યારે જેટલી ઠંડી છે એટલી બધી નહીં પડી શકે. ધીમે ધીમે હવે શિયાળો જામી રહ્યો છે તેવામાં લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કોલ્ડવેવના લીધે ઘણા જિલ્લાઓમાં ઠંડી પડી શકે છે. ત્રણ દિવસ પછી ઠંડી ઓછી થશે અને તાપમાનમાં અત્યાર કરતા થોડો વધારો નોંધાશે.
ગુજરાત રાજ્યમાં વેધર અપડેટ પ્રમાણે જોઈએ તો હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદમાં આગામી સાત દિવસ સુધી ધીમે ધીમે કરીને ઠંડીનો ચમકારો પણ ઘટતો જશે. કોલ્ડ વેવની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં આનાથી કોઈ ગંભીર સ્થિતિ નહીં થાય પરંતુ કચ્છમાં યલો એલર્ટ જારી કરાયું છે. એટલે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ શીત લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે. બાકી આણંદ, ભરૂચ, સુરત, નર્મદા, સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનું પ્રમાણ ત્રણ દિવસ સુધી વધારે રહેશે બાદમાં ઠંડીનું પ્રમાણ થોડુ ઘટી પણ શકે છે.
હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે ગુજરાતમાં નોર્થ-ઈસ્ટ પવનનું જોર વધ્યું છે. આની સાથે સાથે ઠંડી પણ જોરદાર પડી રહી છે. હવે ઠંડીના લીધે જનજીવન પણ પ્રભાવિત થયું છે પરંતુ ફરી પવનની દિશા બદલાવવાનાં કારણે ઠંડીના જોરમાં પણ ઘટાડો જોવા મળશે. ૭૨ કલાકમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ ઘટશે અને તાપમાનમાં પણ વધારો જોવા મળશે. ૧૭થી ૨૬ ડિસેમ્બર સુધી થોડી ઓછી ઠંડી પડવાની ધારણા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આ દિવસોમાં ત્યાં ૨૬થી ૨૮ ડિગ્રી, મધ્ય ગુજરાતમાં ૨૮થી ૩૦, દ.ગુજરાતમાં ૨૮થી ૩૧ ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં આ દિવસોમાં ૨૬થી ૩૦ ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.
એટલું જ નહીં જાન્યુઆરી મહિનામાં ગુજરાત રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પણ પડી શકે છે. ડિસેમ્બરના એન્ડથી મિડલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે. જેથી કડકડતી ઠંડી વચ્ચે નવા વર્ષ જાન્યુઆરીથી ઠંડી તો વધશે પણ ક્યાંય ક્યાંય જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે.