સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓનો ધસારો
મેલેરિયા અને વાઇરલ ઈન્ફેક્શનના આશરે ૧૯૫૦ થી પણ વધુ કેસ નોંધાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
શિયાળાની ઋતુ એટલે શાકભાજી અને ફળફળાદિ માણવાની સાથે તંદુરસ્ત રહેવાની ઋતુ. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે. જેના લીધે વ્યક્તિને શરદી, ખાંસી, કફ, તાવ જેવી બીમારી જોવા મળતી રહી છે. હાલ અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગત મહિના કરતાં આ અઠવાડિયે વાઇરલ ઇન્ફેક્શન કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા અને વાઇરલ ઈન્ફેક્શનના આશરે ૧૯૫૦ થી પણ વધુ કેસ નોંધાયા છે.
સોલા સિવિલમાં નોંધાયેલ કેસોમાં મેલેરિયાના ૪૯૦ શંકાસ્પદ કેસો પૈકી ૧૬ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે વાઇરલ ઈન્ફેક્શનના ૧૪૬૩ જેટલા કેસ નોંધાયા છે. આ સાથે ડેન્ગ્યુના ૧૧૨ શંકાસ્પદ કેસો પૈકી ૩ કેસ પોઝિટિવ આવ્યા છે. તેમજ ચિકનગુનિયાના ૧૫ જેટલા કેસ નોંધાયા છે. જેમાંના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યો છે. આ સાથે OPD ના ૧૧,૦૮૯ કેસ અને IPD ના ૧૦૮૯ કેસ નોંધાયા છે. જેની સંખ્યા ગત અઠવાડિયા જેટલી જ નોંધાઈ છે. આ સિવાય ઝાડા-ઉલ્ટીના ૩ કેસ, ટાઈફોઈડના ૩ કેસ અને વાઇરલ હિપેટાઇટિસના ૬ કેસ નોંધાયા છે. મહત્વની વાત તો એ છે કે સોલા સિવિલમાં આ અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના લક્ષણ ધરાવતા એક પણ દર્દીનો કેસ નોંધાયો નથી.
આ અંગે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. દેવાંગભાઈ શાહ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ ઠંડીની સીઝન ચાલી રહી છે. ત્યારે આ વાતાવરણની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડતી હોય છે. જેના લીધે નાની-મોટી બીમારી જોવા મળતી હોય છે. ખાસ કરીને આ સમયે શરદી, ખાંસી, તાવ, વાઇરલ ઈન્ફેક્શન જેવી બીમારી જોવા મળતી હોય છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને ગરમ ફૂંફાળું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ.
અર્બન હેલ્થ સેન્ટર ગોતાના આરબીએસકે મેડિકલ ઓફિસર બ્રિન્દાબેન હાથી સાથે વાત કરતા જણાવ્યું કે, સામાન્ય રીતે શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય માટે ઉત્તમ મનાય છે. પરંતુ ઠંડીની ઋતુમાં સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિને નાની-મોટી બીમારી જેવી કે શરદી, ખાંસી, તાવ, મેલેરિયા, વાઇરલ ઈન્ફેક્શન વગેરે થવાનું જોખમ વધી જાય છે. તેથી આ બીમારીઓથી બચવા વ્યક્તિએ સૌથી પહેલા ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ કપડાં પહેરવા જોઈએ. આ સાથે બહાર જતી વખતે નાક અને કાન ઢંકાય તે રીતે તેને ટોપી કે મફલરથી ઢાંકવા જોઈએ.
જો વાહન પર જતી વખતે અથવા ચલાવતી વખતે શક્ય હોય તો હેલ્મેટ પહેરો. આ સાથે શરીરને તંદુરસ્ત રાખવા દરરોજ સવારે યોગ-પ્રાણાયમ કે હળવી કસરતો કરો. તેમજ શરીરને યોગ્ય પોષણ મળી રહે તે માટે લીલા પાંદડાવાળા શાકભાજી, સૂપ, સલાડ, અળદિયા પાક વગેરેનું સેવન કરો. રાત્રે સૂતી વખતે શરીર ઢંકાય તે રીતે નાઈટ ડ્રેસ પહેરીને સૂવો. તેમજ મચ્છરજન્ય કોઈ રોગ ન ફેલાય તે માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો. દિવસ દરમિયાન ગરમ હૂંફાળા પાણીનું સેવન કરો. ચા કે કોફીમાં આદુ, સૂંઠ, તુલસી વગેરે નાખીને પીવાનો આગ્રહ રાખવો.
આ સિવાય હૃદય અને શ્વાસની બીમારીવાળી વ્યક્તિએ નિયમિત ડોક્ટરની તપાસ કરાવવી જોઈએ. તેમજ તેમણે નિયમિતપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. વધુમાં જો કોઈ વ્યક્તિને અન્ય કોઈ તકલીફ જણાય તો તેમણે નજીકના સારવાર કેન્દ્રમાં જઈને ચોક્કસ સારવાર કરાવી લેવી જોઈએ. જો શક્ય હોય તે એકવાર મેડિકલ ટેસ્ટ પણ કરાવી લેવો. આનાથી કોઈ ગંભીર બીમારીના લક્ષણો જણાય તો તેનું પ્રાથમિક તબક્કે નિદાન કરી વધતી બીમારીને અટકાવી શકાય છે.