રાજ્યમાં ૧૨ શહેરોનો તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યભરમાં હવે શિયાળની ઠંડી બરાબર જામી છે, ત્યારે તાપમાનની વાત કરીએ તો કેટલાય શહેરો ઠંડાગાર બન્યા છે. ડિસેમ્બરની વિદાય અને જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી રહી છે. તાજા અપડેટ પ્રમાણે, આજે ફરી એકવાર નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે, નલિયામાં ૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે જ રાજ્યમાં ૧૨ શહેરોનો પારો ૧૫ ડિગ્રીથી નીચે રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે, અને રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડીનું મોજુ ફરી વળશે, ઉત્તર ભારતથી વાતા ઠંડા પવનના કારણે રાજ્યમાં કાતિલ ઠંડીનો જબરદસ્ત અનુભવ થઇ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. નલિયામાં ૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે, અને આ સાથે નલિયા ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે, તો વળી કેશોદમાં ૮.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં દિવસભર વાઇ રહેલા પવનના કારણે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. રાજ્યમાં ૧૨ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયો છે. આગામી ત્રણ દિવસ હવામાનમાં કોઈ ખાસ મોટા ફેરફારની શક્યતા નહીંવત છે.
હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે, જો રાજ્યમાં માવઠું થશે તો ખેડૂતો અને ખેતીને નુકસાન પહોંચી શકે છે, અત્યારે ખેડૂતોનો વરિયાળી, બટાટા, ઘઉં, ચણા, જીરૂ અને રાયડો પાક છે, જો વરસાદ પડશે તો આ તમામ પાકોમાં મોટુ નુકસાન પહોંચી શકે છે. શીતપ્રકોપની અસર શહેરના જુદા જુદા સતત -ધમધમતા રાજમાર્ગો પર રાત્રીના પગરવ સાથે પાંખી ચહલ પહલ જોવા મળી હતી.ખાસ કરી સાંજે શહેરમાં ગરમ પીણાનુ વેચાણ કરતા દુકાનદારોને ત્યાં ખાસ્સો તડાકો જોવા મળ્યો હતો.