Last Updated on by Sampurna Samachar
CBSE નો નવો મહત્વપૂર્ણ નિર્ણય
ખાસ ઍડ્વાન્સ ક્લાસ ચલાવવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાળકો શિક્ષણ અને કારકિર્દીની દોડમાં શાળા કરતાં કોચિંગ પર વધુ ર્નિભર બની રહ્યા છે. આ પરિસ્થિતિ અંગે શિક્ષણ મંત્રાલય અને CBSE બંનેએ ચિંતા વ્યક્ત કરી છે. આ સમસ્યાના નિવારણ માટે, મંત્રાલય અને બોર્ડની સમિતિઓએ નવા સૂચનો આપ્યા છે, જેથી બાળકોને શાળામાં જ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય વાતાવરણ મળી શકે. આ પગલાંથી કોચિંગ પરની ર્નિભરતા ઘટશે અને બાળકો શાળામાં જ સશક્ત તૈયારી કરી શકશે.

શિક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિ માને છે કે જો બાળકોને શાળામાં જ પૂરતું માર્ગદર્શન અને તાલીમ મળે, તો તેમને કોચિંગ પર આધાર રાખવો પડશે નહીં. આ હેતુ માટે, પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ મોડેલ શરુ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ મોડેલ હેઠળ, શાળાના શિક્ષકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની રણનીતિઓ માટે તાલીમ અપાશે અને ઉદ્યોગ તથા શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે બોલાવવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓ પરીક્ષાના માળખા અને તૈયારીની રણનીતિને વધુ સારી રીતે સમજી શકશે.
ડમી શાળાઓની પ્રથાને રોકવા માટે પગલાં લેવાયા
CBSE દ્વારા સૂચવ્યા મુજબ, શાળાઓની અંદર જ સેન્ટર ફોર ઍડ્વાન્સ સ્ટડીઝ ખોલવામાં આવશે. આ કેન્દ્રો એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ IIT-JEE, NEET, CLAT, CUE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા ઇચ્છે છે. અહીં ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, કોમ્પ્યુટર સાયન્સ, કાયદાકીય અભ્યાસ, એકાઉન્ટ્સ અને અર્થશાસ્ત્ર જેવા વિષયો માટે ખાસ ઍડ્વાન્સ ક્લાસ ચલાવવામાં આવશે.
સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે CBSE પસંદ કરનારા અને ન પસંદ કરનારા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓ CAS માં જોડાવા ઇચ્છે છે, તેમને પ્રવેશ પહેલાં કાઉન્સેલિંગ આપવામાં આવશે અને ત્યારબાદ પ્રક્રિયા દ્વારા પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ મંત્રાલયની મંજૂરી મળ્યા પછી જ આ કેન્દ્રો શાળાઓમાં શરુ કરી શકાશે.
CBSE અનુસાર, બોર્ડ પરીક્ષાઓમાં ૫૦% પ્રશ્નો કોમ્પિટન્સી આધારિત હશે. આનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ ફક્ત ગોખણપટ્ટી કરીને નહીં, પણ કોન્સેપ્ટને ઊંડાણપૂર્વક સમજીને અને તેનો ઉપયોગ કરીને જ પાસ થઈ શકશે.
CAS માટે, વિશિષ્ટ અભ્યાસ સામગ્રી અને અસાઇનમેન્ટ્સ તૈયાર કરાશે, જે ડિજિટલ સ્વરૂપમાં પણ ઉપલબ્ધ હશે. શાળાઓ આ માટે નવા શિક્ષકોની ભરતી કરી શકે છે અથવા તેમના હાલના પ્રશિક્ષિત શિક્ષકોને નિયુક્ત કરી શકે છે. મહત્ત્વની વાત એ છે કે, CAS સંપૂર્ણપણે શાળાના પરિસરમાં અને શાળાના નિયમિત સમય દરમિયાન જ ચલાવવામાં આવશે.
CBSE એ સ્પષ્ટ કર્યું છે કે શાળાઓને કોઈપણ કોચિંગ સેન્ટર સાથે જોડાણ કરવાની મંજૂરી નથી. વધુમાં, ડમી શાળાઓની પ્રથાને રોકવા માટે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ શાળામાં રહીને જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે.