Last Updated on by Sampurna Samachar
રોહિત પવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી
ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અજિત પવારના વિમાન દુર્ઘટના કેસ અંગે એક મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર સરકારમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા રહેલા સ્વર્ગસ્થ અજિત પવારના પ્લેન અકસ્માતના કેસમાં ધારાસભ્ય રોહિત પવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા અને ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું કે, “હું ૨ દિવસ પછી એક મોટો ખુલાસો કરીશ.”

પવારનું કહેવું છે કે રાહુલ ગાંધીએ તેમને એક મહત્વનું સૂચન આપ્યું છે, જેનો ખુલાસો તેઓ ૨ દિવસ પછી કરશે. રોહિત પવારના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું છે કે તેઓ કોઈપણ તપાસમાં પૂરો સહયોગ આપવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ એક પાયલોટ તરીકે કેટલીક મહત્વની બાબતો પણ શેર કરી છે. રોહિત પવારે સવાલ ઉઠાવતા પૂછ્યું કે, આખરે અત્યાર સુધી FIR કેમ નોંધવામાં આવી નથી અને કોણ કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?
રાહુલ ગાંધીને થયું આશ્ચર્ય
પવારે કહ્યું કે, “મારી રાહુલ ગાંધી સાથે લગભગ ૩૦ મિનિટ સુધી મુલાકાત થઈ છે. મેં તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આજે દેશમાં અનેક મુદ્દાઓ છે અને વિપક્ષના નેતા તરીકે તેઓ તેની સામે લડી રહ્યા છે.” પવારના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી એ વાતને લઈને આશ્ચર્યમાં હતા કે આટલા મોટા નેતાનો અકસ્માત થયો હોવા છતાં FIR કેમ નથી થઈ રહી.
પવારે વધુમાં જણાવ્યું કે, “મને પૂરો વિશ્વાસ છે કે તેઓ દરેક પરિસ્થિતિમાં અમને મદદ કરશે. વિપક્ષ નેતા એ મને કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે, જેના વિશે હું ૨ દિવસ પછી ખુલાસો કરીશ.” રાહુલ ગાંધીના સૂચનોના સંદર્ભમાં પૂછવામાં આવેલા સવાલ પર રોહિતે કહ્યું કે, “હું યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ આનો ખુલાસો કરીશ.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધીને પણ શંકા છે કે અજિત પવારનો પ્લેન અકસ્માત એક ષડયંત્ર છે? ત્યારે પવારે કહ્યું કે, “ષડયંત્ર છે કે નહીં, તે તો તપાસનો વિષય છે, પરંતુ અમારી ચિંતા એ છે કે આખરે FIR કેમ નથી થઈ રહી? તપાસ કેમ નથી થઈ રહી અને મહારાષ્ટ્રની જનતા સામે સત્ય કેમ આવવા દેવામાં આવતું નથી?”