Last Updated on by Sampurna Samachar
ઈમરાનનું નામ પુરસ્કાર માટે નોમિનેટ
સેન્ટ્રલ પાર્ટીએ પુરસ્કાર અંગે પુષ્ટિ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને શાંતિ નોબલ પુરસ્કાર આપવામાં આવશે તેવી ચર્ચા શરૂ થઇ છે. પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ (PWA) અને નૉર્વેજિયમ રાજકીય પાર્ટી સેન્ટ્રમ (CPN)એ માનવાધિકારો અને લોકશાહી પ્રત્યે યોગદાન બદલ ઈમરાનનું નામ પુરસ્કાર માટે નોમિનેટ કર્યું છે.
પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ એક વકીલાત જૂથ છે અને તેની સ્થાપના ડિસેમ્બર-૨૦૨૩માં કરવામાં આવી હતી. આ સંગઠન નોર્વેની રાજકીય પાર્ટી સેન્ટ્રલ સાથે જોડાયેલું છે. સેન્ટ્રલ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પુરસ્કાર અંગે પુષ્ટી કરી છે. પાર્ટીએ કહ્યું કે, ઈમરાન ખાને માનવાધિકારો અને લોકશાહીમાં શ્રેષ્ઠ કાર્યો કર્યા હોવાનું તેમને નોમિનેટ કરવામાં આવ્યા છે.
ઈમરાન ખાન ઓગસ્ટ-૨૦૨૩થી જેલમાં બંધ
ઈમરાન ખાને અગાઉ દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવાની દિશામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, જેના કારણે તેમને ૨૦૧૯માં શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, નોર્વેજિયમ નોબેલ સમિતિને દર વર્ષે સેંકડો નોમિનેશન મળે છે. ત્યારબાદ આઠ મહિનાની લાંબી પ્રક્રિયા બાદ વિજેતાનો ર્નિણય, પછી ઓક્ટોબરમાં પુરસ્કારની જાહેરાત અને ડિસેમ્બર-૨૦૨૫માં પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સ્થાપક ઈમરાન ખાન ઓગસ્ટ-૨૦૨૩થી જેલમાં બંધ છે. જાન્યુઆરી-૨૦૨૪માં તેમના પર સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, જેના કારણે તેમને ૧૪ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. એટલું જ નહીં સરકારી ભેટોનું વેચાણ, સરકારી રહસ્યો લીક કરવા અને ગેરકાયદે લગ્ન સંબંધિત ત્રણ અન્ય કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
જોકે કોર્ટે આ સજાઓને પલટાવી દીધી છે અથવા તો સસ્પેન્ડ કરી દીધી છે. એપ્રિલ-૨૦૨૨માં અવિશ્વાસ પ્રસ્તાવના કારણે ઈમરાન ખાને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારબાદ પાકિસ્તાનમાં ભારે ઉથલપાથલ સર્જાઈ હતી.