Last Updated on by Sampurna Samachar
યુદ્ધ લાંબુ ખેંચાયું તો ક્રૂડ ઓઇલ મોંઘુ થશે તેવા અહેવાલ
ભારતના ઇરાન અને ઇઝરાયલ સાથે સારા સબંધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જ્યાં પરિસ્થિતિ સુધરશે તેવા કોઇ સંકેત જોવા મળી રહ્યા નથી. દરમિયાન વાત કરીએ તો આ યુદ્ધની અસર ભારત પર પડે તેવી શક્યતા છે. આ સંઘર્ષની અસર સીધી જનતાના ખિસ્સા પર જોવા મળી શકે છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમની સામે ઈઝરાયલે ઓપરેશન રાઇઝિંશ લાયન ૧૨ જૂને શરૂ કર્યું હતું. જેમાં ઈરાનના ટોચના પરમાણુ વિજ્ઞાની અને પ્લાન્ટ્સને નિશાનો બનાવવામાં આવ્યા હતા.
ભારત એક એવો દેશ છે , જેના ઈઝરાયલ અને ઈરાન બંને સાથે સારા સંબંધો છે. ભારત ઈરાનના ક્રૂડ ઓઇલનો ખરીદદાર છે. ઈરાન ભારતને ક્રૂડ ઓઇલ પર ઘણી છૂટ પણ આપે છે. એવામાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટવું અથવા આપૂર્તિ પર અસરથી ભારત માટે આયાત મોંઘુ પડશે અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે.
ઈરાનથી આયાત-નિકાસ મોંઘી
ઈરાને પોતાના પરમાણુ હથિયાર કાર્યક્રમથી પીછેહઠ ન કરી તો અમેરિકા તેના પર નવા આર્થિક પ્રતિબંધ લાગુ કરી શકે છે. ભારત ક્રૂડ સિવાય સૂકા મેવા પણ ઈરાન પાસેથી મંગાવે છે. આ સિવાય તેને બાસમતી ચોખા, ખાંડ, ચા-કૉફી જેવી અન્ય વસ્તુની નિકાસ કરે છે. ભારતની અનેક મોટી કંપની ઈરાનમાં મૂળભૂત પાયાનું નિર્માણ કામ કરવામાં જોડાયેલી છે. આર્થિક પ્રતિબંધો બાદ આવું કરવું અઘરૂ થશે.
મધ્ય-પૂર્વમાં ભારતના શક્તિ સંતુલન પર અસર
ભારતે ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ પર એકપણ બાજુ પોતાનો ઝૂકાવ નથી બતાવ્યો. ભારત નથી ઈચ્છતુ કે, મધ્ય-પૂર્વમાં સાઉદી અરેબિયા, યુએઈની સાથોસાથ ઈરાન જેવા ઈસ્લામિક દેશો સાથે પોતાના સંબંધ બગાડે. ઈઝરાયલ પણ ભારત માટે ખૂબ મહત્ત્વનું છે. ઈરાન એવા ગણતરીના ઇસ્લામિક દેશોમાંથી છે, જે આતંકવાદ પર ભારતની પીડાને સમજે છે.
ઈરાને તો ખુદ પાકિસ્તાન પોષિત આતંકવાદને સહન કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડા સમય પહેલાં થયેલા સૈન્ય સંઘર્ષ બાદ ઈરાને ખૂબ સમજદારીથી કામ લીધુ હતું. તે ઇસ્લામના નામ પર પાકિસ્તાનની જાળમાં ન ફસાયું અને તટસ્થ વલણ અપનાવ્યું. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે ખુદ તેહરાન જઈને અયાતુલ્લા અલી ખમેનેઈ સાથે મુલાકાત કરી હતી પરંતુ, તેમણે ઇસ્લામિક કાર્ડના નામે ભારતને નારાજ કરવાનું જોખમ ન લીધું.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે મિસાઇલના વરસાદ વચ્ચે જોર્ડન, ઈરાક, સીરિયા સહિત અનેક દેશોએ પોતાના એરસ્પેસને બંધ રાખ્યા છે. જેના કારણે એરલાઇન પોતાના વિમાનને મધ્ય-પૂર્વના આકાશથી બહાર લાંબો ચક્કર લગાવવો પડી રહ્યો છે. જેનાથી ઈંધણનો વપરાશ વધે છે અને વિમાનની કંપનીઓનો ખર્ચ વધતા ટિકિટોનો ભાવ પણ વધી રહ્યો છે.
ઈરાનના વાયુક્ષેત્રથી કોઈ યાત્રી વિમાન પસાર નથી થઈ રહ્યું. જોકે, યુરોપથી એશિયા જનારા અનેક વિમાન પહેલા અહીંથી પસાર થતા હતા. જેનાથી ફ્લાટનો વધતો સમય, મોડું અને ઈંધણની કિંમત વધવાની અસર ભારતની એરલાઇન કંપનીઓ પર પણ થઈ રહી છે.
ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો:ઈરાન-ઈઝકાયલ વચ્ચે તણાવથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં ૯ ટકાનો ઉછાળો પહેલાંથી જ થઈ ચુક્યો છે. જો યુદ્ધ ન રોકાયું તો ક્રૂડ ઓઇલ ૭૮ થી વધીને ૧૦૦ ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જેનાથી ભારત સહિત દુનિયાભરના ક્રૂડ આયાત કરનારા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે.
ઈરાન દરરોજ આશરે ૩.૩ મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. જેમાં ૧.૫ એમબીડીની નિકાસ કરવામાં આવે છે. જેમાં ૮૦ ટકા ક્રૂડ તો એકલું ચીન ખરીદે છે. ત્યારબાદ તુર્કી બીજો સૌથી મોટો ખરીદદાર છે.
ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘરેલું બજારમાં સોનાનો ભાવ ૧ લાખ પ્રતિ તોલા પહોંચી ગયો છે. જો તણાવ વધ્યો તો શેરબજાર પર પણ તેની અસર જોવા મળશે અને સોનું મજબૂત થશે. ભારત દર વર્ષે ૮૦-૯૦ ટન સોનાની આયાત કરે છે. જો સોનાની કિંમત વધી તો ભારતે તેની આયાત માટે વધુ વિદેશી ચલણ વધુ ખર્ચાશે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ આખા મિડિલ ઈસ્ટમાં ફેલાઈ શકે છે. અમેરિકાએ પણ આ યુદ્ધમાં કૂદવાનો સંકેત આપ્યો છે. તેને સાઉદી અરેબિયા-યુએઈનો ટેકો મળી શકે છે. તે જ સમયે, સીરિયા, તુર્કીયે અને ઈરાક જેવા દેશો પણ આવી સ્થિતિમાં શાંત નહીં બેસે. રશિયા હાલમાં યુક્રેન સાથે યુદ્ધમાં ફસાઈ શકે છે, પરંતુ તે કોઈપણ કિંમતે મધ્ય પૂર્વમાં તેના સાથી ઈરાનને ગુમાવવા માંગતો નથી. આ અભિયાનમાં તેને ચીન અને ઉત્તર કોરિયાનો પણ ટેકો મળી શકે છે. જો આવું થાય, તો તે ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.