Last Updated on by Sampurna Samachar
જવાને પત્ની રજની સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું દર્દ
માનસિક રીતે ત્રાસ આપવામાં આવતા હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૧ દિવસ બાદ પાકિસ્તાન (PAKISTHAN) થી મુક્ત થઇ ભારત પરત ફરેલા BSF જવાન પૂર્ણમ કુમાર શોએ પાકિસ્તાનમાં થયેલા અનુભવો વિશે વાતચીત કરી છે. જેમાં તેમણે તેમની પત્ની રજની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમના કેદ દરમિયાનના અનુભવો શેર કર્યા હતા.

આ બાબતે પૂર્ણમ કુમાર શોએ પત્નીને કહ્યું કે પાકિસ્તાનમાં તેની કેદ દરમિયાન તેને રાત્રે સૂવા પણ દેવામાં આવતો ન હતો. સતત પૂછપરછ થતી રહી. પાકિસ્તાનીઓ એવું વર્તન કરતા હતા જાણે જાસૂસ હોય. ૨૩ એપ્રિલના રોજ, પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં ફરજ પર હતા. ત્યારે પૂર્ણમ કુમાર શો આકસ્મિક રીતે પાકિસ્તાની સરહદમાં પ્રવેશી ગયા હતા.
પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવ્યા
આ ઘટના કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બીજા જ દિવસે બની હતી. પાકિસ્તાની સેનાએ તેમને કસ્ટડીમાં લીધા હતા અને ત્યારથી તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી. ભારત સરકારે રાજદ્વારી માધ્યમો દ્વારા દબાણ લાવવાનું શરૂ કર્યું, જેના કારણે તેમને પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવ્યા.
તેમની પત્ની રજની શોએ જણાવ્યું કે તેમણે કહ્યું કે તેમને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવ્યો ન હતો, પરંતુ માનસિક રીતે તેઓ થાકી ગયા હતા. તેમને દરરોજ રાત્રે પૂછપરછ માટે જગાડવામાં આવતા હતા. તેમણે કહ્યું કે તેમને ખાવાનું આપવામાં આવતું હતું, પરંતુ દાંત સાફ કરવાની પણ મંજૂરી નહોતી. તેમના અવાજમાં થાક સ્પષ્ટ દેખાતો હતો.
રજનીએ એમ પણ કહ્યું કે પૂર્ણમ શોને ત્રણ અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી એક જગ્યા કદાચ એરબેઝની નજીક હતી, કારણ કે ત્યાં વિમાનોના અવાજો સંભળાતા હતા. આ બધો અનુભવ એવો હતો જેણે તેના માનસિક તણાવમાં વધુ વધારો કર્યો. રજની શોએ ગર્વથી કહ્યું કે તેઓ છેલ્લા ૧૭ વર્ષથી દેશની સેવા કરી રહ્યા છે અને આગળ પણ કરતા રહેશે.
અમને બધાને તેમના પર ગર્વ છે. તેઓ ફરીથી ફરજ પર પાછા ફરશે. જો શોને જલ્દી રજા નહીં મળે, તો રજની પોતે પઠાણકોટ જઈને તેને મળવાનું આયોજન કરી રહી છે. તમને જણાવી દઈએ કે પૂર્ણમ કુમાર શોને અટારી-વાઘા બોર્ડર દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.