Last Updated on by Sampurna Samachar
IPS અધિકારી વાય પૂરનકુમારની આત્મહત્યાનો મામલો
સ્યૂસાઈડ નોટમાં આ હેરાનગતિનો ઉલ્લેખ કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણાના IPS અધિકારી વાય પૂરનકુમારની આત્મહત્યાના મામલે હાલ એક મોટું અપડેટ સામે આવ્યું છે. તેમની પત્ની અને IAS અધિકારી અમનીત પી કુમારે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. તેમણે હરિયાણાના DGP શત્રુજીત કપૂર અને રોહતકના SP નરેન્દ્ર બીજરાનિયા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. અમનીતનું કહેવું છે કે તેમના પતિનું મોત આ અધિકારીઓની હેરાનગતિના કારણે થયું છે.
અમનીતે સેક્ટર ૧૧ પોલીસ સ્ટેશનના SHO ને લખેલા પત્રમાં કહ્યું છે કે ડીજીપી અને એસપી વિરુદ્ધ બીએનએસની કલમ ૧૦૮ અને SC/ST એક્ટ હેઠળ મામલો નોંધવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના પતિને ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાતિના આધારે હેરાન કરાયા હતા. અમનીતે જણાવ્યું કે તેમના પતિએ પોતાની સ્યૂસાઈડ નોટમાં આ હેરાનગતિનો ઉલ્લેખ કર્યો છે.
૯ પાનાની સ્યૂસાઈડ નોટ લખી
વાય પૂરનકુમારે પત્નીને પહેલેથી જ જણાવી દીધુ હતું કે તેમને જીડીપી શત્રુજીત કપૂર દ્વારા એક ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. આ મામલો રોહતકમાં અર્બન સ્ટેટ પોલીસ મથકમાં કલમ ૩૦૮ હેઠળ નોંધાયો હતો. અમનીતે કહ્યું કે તેમના પતિના સ્ટાફ મેમ્બર સુનીલને પણ આ ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે.
આ મામલે પુરાવા સાથે છેડછાડ કરાઈ છે અને તેમને ખોટા આરોપમાં ફસાવવામાં આવ્યા છે. અમનીતે ન્યાયની માંગણી કરી છે અને કહ્યું કે તેમને સ્યૂસાઈડ નોટની વધુ એક કોપી મળી છે જેને તે પોલીસ સાથે શેર કરશે. અમનીત પી કુમારે સ્પષ્ટ રીતે કહ્યું કે, તેમને ન્યાય જોઈએ છે. તેમણે અધિકારીઓની હેરાનગતિને લઈને અનેકવાર ફરિયાદ કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. હવે તેમણે પોલીસને આગ્રહ કર્યો છે કે આ મામલેને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ મામલો ફક્ત એક અધિકારીના મોતનો નથી પરંતુ એક પત્નીની ન્યાયની શોધનો પણ છે.
એક મીડિયા રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ઘટનાના બરાબર એક દિવસ પહેલા તેમણે ૬ ઓક્ટોબરના રોજ એક વસીયત પણ તૈયાર કરી હતી. જેમાં પોતાની તમામ ચલ અચલ સંપત્તિ પત્ની અને વરિષ્ઠ આઈએએસ અધિકારી અમનીત પી કુમારના નામે કરી હતી. આ સાથે ૯ પાનાની સ્યૂસાઈડ નોટ લખી જે તેમણે પત્નીને પણ મોકલી હતી.
તેમના પત્ની તે સમયે મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે એક સરકારી પ્રવાસે જાપાન ગયા હતા. પૂરનકુમારે તેમને જ્યારે વસીયત અને સ્યુસાઈડ નોટ મોકલી તો અમનીતકુમારે તેમને ૧૫ વખત ફોન કર્યા પરંતુ તેમણે એક પણ વખત ફોન રિસીવ કર્યો નહીં. ગભરાઈને અમનીતે નાની દીકરી અમૂલ્યાને ફોન કરીને તરત પિતા સાથે વાત કરાવવા જણાવ્યું. માતાના ફોન બાદ અમૂલ્યા ઘરે પહોંચી અને બેઝમેન્ટમાં પિતા સોફા પર પડ્યા હતા અને લોહીથી લથપથ હતા.