Last Updated on by Sampurna Samachar
ટોપિક પરથી હટતા ટ્રમ્પે કહી દીધી પર્સનલ વાતો
ટ્રમ્પનાં ઘરે દરોડા પાડતા થયા મોટા ખુલાસા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અતરંગી અંદાજ અને નિવેદનો માટે દુનિયાભરમાં જાણીતા છે. ટ્રમ્પ ક્યારે, કોને અને શું કહી દેશે તેનો કોઈ ભરોસો નથી હોતો. તાજેતરમાં જ તેમણે એક હોસ્ટની મજાક ઉડાવી હતી, અને હવે ઉત્તર કેરોલિનાની એક રેલીમાં તેમણે કંઈક એવું કહ્યું જેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરોશોરથી થઈ રહી છે.

વર્ષ ૨૦૨૨માં તેમના માર-એ-લાગો રિસોર્ટ પર FBI દ્વારા પાડવામાં આવેલા દરોડા વિશે વાત કરતી વખતે ટ્રમ્પ અચાનક પોતાની પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયાના અન્ડરગારમેન્ટ્સનો ઉલ્લેખ કરવા લાગ્યા હતા.
દરોડામાં ક્લાસિફાઇડ દસ્તાવેજોના ૧૧ સેટ મળી આવ્યા
રેલી દરમિયાન વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું કે, જ્યારે દરોડા પડ્યા ત્યારે તેઓ પત્નીના કબાટ સુધી પહોંચ્યા હતા. તેમણે કહ્યું, “મેં તેમના ડ્રોઅર જોયા, તેમના અન્ડરગારમેન્ટ્સ જોયા, જે એકદમ યોગ્ય રીતે ફોલ્ડ કરેલા અને રેપ કરેલા હતા. બધું જ એકદમ પરફેક્ટ હતું.” ટ્રમ્પે મેલાનિયાની સ્વચ્છતા અને જાળવણીની આદતોની મજાક ઉડાવતા આગળ કહ્યું કે, “મને લાગે છે કે તે તેને સ્ટીમ પણ કરતી હશે.”
ટ્રમ્પે ૨૦૨૨માં મારે-એ-લાગોમાં થયેલી FBI ની રેડ વિશે વાત કરતા કહ્યું કે, આ ઓપરેશન એક ગુનાહિત તપાસના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. નેશનલ આર્કાઇવ્સ એન્ડ રેકોર્ડ્સ એડમિનિસ્ટ્રેશને અહેવાલ આપ્યો હતો કે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના અંતે પ્રોપર્ટીમાંથી રાષ્ટ્રપતિના દસ્તાવેજોના ૧૫ બોક્સ હટાવવામાં આવ્યા હતા. FBI નો હેતુ ન્યાયમાં અવરોધ, ક્લાસિફાઇડ રેકોર્ડ્સની ખોટી રીતે જાળવણી અને જાસૂસી એક્ટના સંભવિત ઉલ્લંઘન સંબંધિત પુરાવા શોધવાનો હતો.
અહેવાલો અનુસાર, તે દરોડામાં ક્લાસિફાઇડ દસ્તાવેજોના ૧૧ સેટ મળી આવ્યા હતા, જેમાંથી કેટલાક પર ટોપ સિક્રેટ લખેલું હતું. આ દસ્તાવેજો માત્ર સુરક્ષિત સરકારી જગ્યાઓ માટે જ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રમ્પ ઘણા કાયદાકીય દાવપેચમાં ફસાયા છે.
ક્લાસિફાઇડ દસ્તાવેજોની ગેરરીતિના આરોપમાં ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ તેમના પર આરોપ મૂક્યા હતા. ૨૦૧૬ના અભિયાન દરમિયાન કથિત રીતે ચૂપ રહેવા માટે પૈસા આપવાના મામલે તપાસ. ૨૦૨૦ની ચૂંટણીના પરિણામો બદલવાના પ્રયાસો અને ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કેપિટલ હિંસામાં તેમની ભૂમિકા અંગેની તપાસનો સમાવેશ થાય છે.