Last Updated on by Sampurna Samachar
યુવા નેતાઓને પરિપક્વતા વગરની મહત્વાકાંક્ષા નડી ગઈ હોવાની ચર્ચા
આ નેતા લીલી પેનથી સહી કરવાના સપના જોઈને બેસ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મંત્રીમંડળના વિસ્તરની અટકળો થઈ રહી હતી ત્યારે લોબીઈંગ કરવામાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને યુવા ઠાકોર નેતા તેમજ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. બંને યુવાનેતાઓમાં સામ્ય એ છે કે બંને પોતપોતાના સમાજ માટે આંદોલનનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને બંને કોંગ્રેસ રિટર્ન છે. આથી તેમને તક મળે છે કે કેમ એ ઉત્સુકતા પ્રવર્તતી હતી.
ભાજપના અનેક ધારાસભ્યો એવા હતા, જેઓ લીલી પેનથી સહી કરવાના સપના જોઈને બેસ્યા હતા. જેમાં સૌથી પહેલું નામ સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા જયેશ રાદડિયા છે. જેમની ફુલ હવા હતી, ને લિસ્ટમા નામ ન આવ્યું. આ સાથે મંત્રીપદની રેસમાં કોંગ્રેસમાંથી મંત્રીપદની લ્હાયમાં ભાજપમાં આવેલા નેતાઓ પણ છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને સી. જે. ચાવડાને પણ મંત્રીપદના સપના જોયા હતા, જે હવે ચકનાચૂર થઈ ગયા છે.
ભાજપના વર્તુળોમાં હાર્દિકનુ ખાસ સ્થાન નહીં
મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થતા જ કોંગ્રેસ છોડીને કમળ પકડનારા ચાર દિગ્ગજ નેતાઓ – હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, સી. જે. ચાવડા અને અર્જુન મોઢવાડિયા – ને લીલીપેનથી સહી કરવાના સપનાં ફરી જીવંત થયા હતા. જેમાં અર્જુન મોઢવાડિયા બાજી મારી ગયા. બાકીના રહી ગયા.
ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હાર્દિક પટેલે વિરમગામ વિસ્તારમાં વિકાસ કાર્યોની લાઈન લગાવી દીધી હોય એવો દેખાડો સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધો હતો. કેટલાંક મુદ્દે સરકારની સામે પણ ઉગ્રતાભર્યા નિવેદનો કર્યા હતા. પાટીદાર અનામત આંદોલન વખતની તેમની છબીને લીધે, ધારાસભ્ય બન્યા પછી પણ ભાજપના વર્તુળોમાં હાર્દિક હજુ પણ ખાસ સ્થાન બનાવી શક્યા નથી. એટલે જ તમામ પ્રયત્નો છતાં મંત્રીમંડળમાં તેમની અવગણના થઈ હોય તેમ બની શકે.
અલ્પેશ ઠાકોર દરેક તબક્કે લીલી શાહીથી સહી કરવાની યાને કે મંત્રી બનવાની ખ્વાહિશ વ્યક્ત કરતા રહે છે. આ વખતે તો હાઈ કમાન્ડના આદેશનું પાલન કરીને મત વિસ્તાર પણ બદલ્યો અને ચૂંટાઈ આવ્યા છે.
ઠાકોર સેનાના માધ્યમથી ઠાકોર સમુદાય પર વ્યાપક વર્ચસ્વ ધરાવતા અલ્પેશ ઠાકોર પણ હાર્દિકની માફક સોશિયલ મીડિયા પર બહોળો પ્રચાર કરતાં રહે છે. પરંતુ મંત્રીમંડળમાં તેમને બદલે સ્વરૂપજી ઠાકોર જેવા યુવા નેતાને સ્થાન આપીને ભાજપે અલ્પેશ ઠાકોરને કદ પ્રમાણે વેતરી નાંખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.