Last Updated on by Sampurna Samachar
વિપક્ષના હોબાળાને કારણે સંસદની કામગીરી યોગ્ય રીતે થઈ નથી
મુલાકાતની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ રાષ્ટ્રપતિ સાથે આ મુલાકાત એવા સમયે કરી, જ્યારે વિપક્ષના હોબાળાને કારણે સંસદની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.

બિહારમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે. આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેના માટે સરકાર તૈયાર નથી. આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની આ મુલાકાતનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં ગરમાઈ રહી છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ૯ સપ્ટેમ્બરે મતદાન થશે
રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે. એક્સ પોસ્ટમાં જણાવાયું છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.” આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે ૧ ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે, જે મુજબ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ૯ સપ્ટેમ્બરે મતદાન થશે.
ચૂંટણી પંચના જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ૭ ઓગસ્ટે ચૂંટણી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર થશે. જે બાદ ઈચ્છુક ઉમેદવારો ૨૧ ઓગસ્ટ સુધીમાં નામાંકન દાખલ કરી શકશે, અને ૨૨ ઓગસ્ટે નામાંકન પત્રોની ચકાસણી થશે. નોંધનીય છે કે, આ પહેલાં પણ ૧૬ જુલાઈએ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી હતી, જે સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા પહેલાં થઈ હતી.
આ પહેલા, ૭ મેના રોજ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી હતી. આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના X હેન્ડલ પર આ મુલાકાતની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.
આ વખતે પ્રધાનમંત્રીની મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે સંસદનું ચોમાસું સત્ર ૨૧ જુલાઈથી શરૂ થયું છે, પરંતુ વિપક્ષના હોબાળાને કારણે સંસદની કામગીરી યોગ્ય રીતે થઈ નથી. ઓપરેશન સિંદૂર પર મહત્વની ચર્ચા થઈ હતી, પરંતુ આ સિવાય કોઈ ખાસ કામ થઈ શક્યું નથી. વિપક્ષ સતત બિહારમાં યોજાનારી ચૂંટણી પહેલાં SIR પ્રક્રિયા પર ચર્ચાની માંગણી કરી રહ્યું છે. આ વાત પર સંસદમાં ગતિરોધ સર્જાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી થતી નિકાસ પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પે આ પગલું એટલા માટે ભર્યું છે, કારણ કે ભારતે રશિયા પાસેથી સૈન્ય ઉપકરણો અને તેલની ખરીદીનો ર્નિણય લીધો છે.