Last Updated on by Sampurna Samachar
ફરી ન્યુક્લિયર હથિયારોનું ટેસ્ટિંગ શરૂ કરશે અમેરિકા
રશિયાના ડ્રોન પરીક્ષણ સામે સાવચેતીનું પગલું ભરતુ અમેરિકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જાહેરાત કરાઇ છે કે, અમેરિકા ફરી એકવાર ન્યૂક્લિયર હથિયારોનું ટેસ્ટિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. ૩૩ વર્ષ બાદ અમેરિકા આ પ્રકારનું પગલું હાથ ધરશે. ૧૯૯૨માં અમેરિકાએ પોતે જ પરમાણુ હથિયારોના ટેસ્ટિંગ પર પ્રતિબંધ લાદ્યો હતો. ટ્રમ્પની આ જાહેરાત ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે યોજાયેલી બેઠકની થોડી મિનિટ પહેલાં જ થઈ હતી.

ટ્રમ્પે આ જાહેરાતને વિશાળ વ્યૂહાત્મક પગલું ગણાવ્યું છે. રશિયાએ પણ હાલમાં જ સૌથી ખતરનાક પરમાણુ સબમરીન ડ્રોનનું પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત કર્યા બાદ અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં હડકંપ મચ્યો હતો. રશિયાના આ પરીક્ષણ સામે સાવચેતીનું પગલું લેતાં ટ્રમ્પે તાત્કાલિક ધોરણે પરમાણુ પરીક્ષણનો આદેશ આપ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે.
પરમાણું હથિયારોને સંપૂર્ણપણે અપડેટ અને શ્રેષ્ઠ બનાવ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા ટ્રૂથ પર પોસ્ટ કરી આરોપ મૂક્યો હતો કે, રશિયા અને ચીન બંને પરમાણુ શક્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. જ્યારે અમેરિકા સ્થિર છે. અમેરિકાએ પણ પાછળ રહેવું જોઈએ નહીં. આથી રશિયા અને ચીનના વધી રહેલા એટોમિક પ્રોગ્રામને ધ્યાનમાં લેતાં અમે પણ પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરવાનો ર્નિણય લીધો છે.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પાસે અન્ય દેશની તુલનાએ વધુ પરમાણુ હથિયાર છે, રશિયા બીજા અને ચીન ત્રીજા ક્રમે છે. પરંતુ આગામી પાંચ વર્ષમાં ચીન આ મામલે અમેરિકાની સમકક્ષ આવશે. બીજા દેશોના ટેસ્ટિંગ પ્રોગ્રામના કારણે મેં ડિપાર્ટમેન્ટ ઑફ વૉરને ન્યૂક્લિયર હથિયારોનું ટેસ્ટિંગ શરૂ કરવા આદેશ આપ્યો છે.
આ કામગીરી તુરંત શરૂ કરવામાં આવશે. મારા પ્રથમ કાર્યકાળમાં પરમાણું હથિયારોને સંપૂર્ણપણે અપડેટ અને શ્રેષ્ઠ બનાવ્યા હતાં. પરમાણુ હથિયારોની વિનાશકારી તાકાતના કારણે અમે ટેસ્ટિંગ કરવા માગતા ન હતા. પરંતુ હવે અમારી પાસે કોઈ માર્ગ નથી.
અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગને ન્યૂક્લિયર હથિયારોનું ટેસ્ટિંગ ફરી શરૂ કરવા મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ અપેક્ષા છે કે, ડિફેન્સ ઓફિસર આ સપ્તાહના અંતમાં મીડિયાને સંભવિત ટેસ્ટિંગ સાઈટ્સ અને ટાઈમલાઈન વિશે માહિતી આપશે.
 
				 
								