Last Updated on by Sampurna Samachar
આપ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની રજૂઆત
કોરોના પછી ઘણી બિમારીઓનો શિકાર બની રહ્યા છે યુવાનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં જનહિતની માંગણી ઉઠાવી છે. તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે દરેક ભારતીય નાગરિકને વાર્ષિક આરોગ્ય તપાસનો કાનૂની અધિકાર આપવામાં આવે. આ અંગે રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે કોવિડ-૧૯ પછી હાર્ટ ફેઈલ અને અન્ય રોગોના કેસમાં ભારે વધારો થયો છે, આવી સ્થિતિમાં સમયસર તપાસ કરીને ઘણા લોકોના જીવ બચાવી શકાય છે.
રાઘવ ચઢ્ઢાએ ‘જો તપાસ થાય છે, તો જીવન છે‘ નો નારો આપતા કહ્યું કે, ‘જો શરૂઆતના તબક્કામાં રોગ શોધી કાઢવામાં આવે, તો સારવાર સરળ બને છે અને જીવન બચાવી શકાય છે. ઘણા દેશોમાં, સરકાર નાગરિકોના વાર્ષિક આરોગ્ય તપાસનો ખર્ચ ઉઠાવે છે અને તેને ફરજિયાત બનાવે છે. તો પછી ભારતમાં કેમ નહીં?‘
દર વર્ષે ૭૦%થી વધુ મૃત્યુ હદયની સમસ્યાના કારણે
કોવિડ પછી હૃદય રોગ, શ્વસન સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ભારે વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ બાદ હવે જાહેર આરોગ્ય એક ગંભીર પડકાર બની ગયું છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ માટે વાર્ષિક તપાસ ફરજિયાત અને મફત બનાવવી એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ.
રાઘવ ચઢ્ડાએ આરોગ્ય સેવાઓ વિષે વાત કરતા કહ્યું કે, ‘આરોગ્ય સેવાઓ ધનિકોનો વિશેષાધિકાર ન હોઈ શકે. તે દરેક નાગરિકનો અધિકાર હોવો જોઈએ, પછી ભલે તે કોઈ પણ વર્ગ, જાતિ કે રાજ્યનો હોય. જે વ્યવસ્થા ફક્ત ધનિકોને જ સારી હોસ્પિટલો અને પરીક્ષણ સુવિધાઓ પૂરી પાડે છે તે લોકશાહી નથી, પરંતુ અન્યાયી છે.‘
રાઘવ ચઢ્ડાએ આ મુદ્દો એવા સમયે ઉઠાવ્યો છે કે જયારે ઘણા યુવાન અને સ્વસ્થ દેખાતા લોકો તાજેતરમાં અચાનક હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. દર વર્ષે ૭૦%થી વધુ મૃત્યુ હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ફેફસાના રોગ વગેરે જેવા બિન-ચેપી રોગોને કારણે થાય છે. જો આ રોગોની નિયમિત તપાસ કરવામાં આવે તો દેશની સ્વાસ્થ્ય સમસ્યાઓને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે.