Last Updated on by Sampurna Samachar
મેં મારા કાર્યકાળ દરમિયાન તેમની પાસેથી ઘણું શીખ્યું
રાજીનામામાં આર્ટિકલ ૬૭(છ)નો આપ્યો હવાલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર, તેમણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે રાજીનામું આપ્યું છે. મળતી માહિતી અનુલાર જગદીપ ધનખડે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના રાજીનામામાં કલમ ૬૭ (છ)નો ઉલ્લેખ કર્યો છે.

ઉપરાષ્ટ્રપતિએ લખ્યું છે કે, સ્વાસ્થ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ ૬૭ (છ) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.
અનુગામી પદ સંભાળે ત્યાં સુધી પદ પર રહેશે
રાષ્ટ્રપતિને સંબોધિત પત્રમાં તેમણે લખ્યું કે, ‘હું ભારતના માનનીય રાષ્ટ્રપતિના પ્રતિ અતૂટ સમર્થન અને મારા કાર્યકાળ દરમિયાન બનેલા સુખદ અને અદ્ભુત કાર્યકારી સંબંધો માટે ઊંડો આભાર વ્યક્ત કરું છું.‘ હું માનનીય પ્રધાનમંત્રી અને તેમના માનનીય મંત્રી પરિષદનો ઊંડો આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રીનો સહકાર અને સમર્થન અમૂલ્ય રહ્યું છે અને મેં મારા કાર્યકાળ દરમિયાન તેમની પાસેથી ઘણું શીખ્યું છે.
તેમણે આગળ લખ્યું કે, ‘સંસદના તમામ માનનીય સભ્યો તરફથી મને મળેલી હૂંફ, વિશ્વાસ અને સ્નેહ હંમેશા મારી સ્મૃતિમાં રહેશે. હું આપણા મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મળેલા અમૂલ્ય અનુભવો માટે હું ખૂબ આભારી છું.‘ આ સમય દરમિયાન ભારતની પ્રગતિ અને વિકાસનો સાક્ષી બનવું અને તેમાં ભાગ લેવો મારા માટે એક લહાવો રહ્યો છે.
આપણા રાષ્ટ્રના ઇતિહાસના આ પરિવર્તનશીલ યુગમાં સેવા આપવી મારા માટે ખરેખર સન્માનની વાત રહી છે. આ પ્રતિષ્ઠિત પદ છોડતી વખતે, હું ભારતના વૈશ્વિક ઉદય અને અભૂતપૂર્વ સિદ્ધિઓ પર ગર્વ અનુભવું છું અને તેના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ અનુભવું છું.
સંવિધાનનું આર્ટિકલ ૬૭ ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળ સાથે સંબંધિત છે અને આર્ટિકલ ૬૭ની સેક્શન છ મુજબ, એક ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિને સંબોધિત તેમની સહી સહિત પત્ર (રાજીનામું) લખીને તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. આર્ટિકલ ૬૭ના અન્ય એક સેક્શન અનુસાર ઉપરાષ્ટ્રપતિ તેમના કાર્યકાળની સમાપ્તિ પછી પણ તેમના અનુગામી પદ સંભાળે ત્યાં સુધી પદ પર રહેશે.