Last Updated on by Sampurna Samachar
રાજસ્થાન રોયલ્સ ૧૪ માંથી ફક્ત ૪ મેચ જીતી શક્યું
IPL ૨૦૨૫માં રાજસ્થાન રોયલ્સનુ સારુ પ્રદર્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રાજસ્થાન રોયલ્સ અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ માત્ર એક સીઝન પછી અલગ થઈ ગયા. દ્રવિડે ૩૦ ઓગસ્ટના રોજ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યું. રાજસ્થાન રોયલ્સ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દ્રવિડને ફ્રેન્ચાઇઝમાં મોટા પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેને નકારી કાઢી હતી.

રાહુલ દ્રવિડે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે રાજસ્થાન રોયલ્સમાંથી વર્તમાન કેપ્ટન સંજુ સેમસનના બહાર નીકળવાની અટકળો ચાલી રહી છે. IPL ૨૦૨૫માં દ્રવિડના કોચિંગ હેઠળ રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન બહુ સારું નહોતું. રાજસ્થાન રોયલ્સ ૧૪ માંથી ફક્ત ૪ મેચ જીતી શક્યું અને ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી.
રાહુલ દ્રવિડે કદાચ જૂથવાદને કારણે નિર્ણય લીધો
ક્રિકબઝના અહેવાલ મુજબ, રાજસ્થાન રોયલ્સમાં કંઈપણ બરાબર ચાલી રહ્યું નહોતું. ટીમ મેનેજમેન્ટમાં આગામી સીઝન માટે કેપ્ટન તરીકે ત્રણ નામોની ચર્ચા થઈ રહી હતી. આમાં વર્તમાન કેપ્ટન સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગના નામનો સમાવેશ થાય છે. જોકે, કોઈ એક પર સંપૂર્ણ સર્વસંમતિ નહોતી.
કેટલાક લોકો ઇચ્છતા હતા કે રિયાન પરાગને કેપ્ટનશીપ સોંપવામાં આવે કારણ કે તેણે છેલ્લી સીઝનમાં સંજુ સેમસનની ગેરહાજરીમાં ૮ મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. જોકે, તે ૮ મેચમાંથી રાજસ્થાન રોયલ્સ ટીમ ફક્ત ૨ મેચ જીતી શકી.
બીજી તરફ એક જૂથ માનતું હતું કે ઓપનર યશસ્વી જયસ્વાલને કેપ્ટન બનાવવો જાેઈએ કારણ કે તે ટીમનું ભવિષ્ય છે. જોકે યશસ્વીએ હજુ સુધી રાજસ્થાન રોયલ્સનું કેપ્ટનપદ સંભાળ્યું નથી, પરંતુ કેપ્ટન બનવાની તેની ઇચ્છા બધાને ખબર છે.
ત્રીજું જૂથ ઇચ્છતું હતું કે નેતૃત્વમાં કોઈ ફેરફાર ન થાય અને સંજુ સેમસન કેપ્ટન રહે. સેમસન હજુ પણ ચર્ચાનો મુખ્ય વિષય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તે રાજસ્થાન રોયલ્સમાંથી પોતાને અલગ કરવાની માંગ કરે છે, તો તે ૨૦૨૬ સીઝન પહેલા કોઈ અન્ય ટીમમાં જોવા મળી શકે છે.
રાહુલ દ્રવિડે કદાચ જૂથવાદને કારણે રાજસ્થાન રોયલ્સ છોડવાનો ર્નિણય લીધો હશે. હવે રાજસ્થાન રોયલ્સે પણ નવા મુખ્ય કોચની શોધ કરવી પડશે. એવી ચર્ચા છે કે કુમાર સંગાકારા આ જવાબદારી સંભાળી શકે છે. એકંદરે, એવું કહી શકાય કે રાજસ્થાન રોયલ્સની અંદર કેપ્ટનશીપ અને કોચ બંને અંગે ચિત્ર સ્પષ્ટ નથી અને અંદરખાને ઘણી મૂંઝવણ છે.